રાજકોટમાં 80 ટકા રોડ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થયાનો તંત્રનો દાવો! - રાજકોટ મહાનગર પાલિકા
રાજકોટમાં વરસાદના કારણે અનેક રોડ - રસ્તાઓ પાણીની સાથે ધોવાઇ ગયા હતા અને મસમોટા ગાબડાઓ પડ્યા હતા. તે ગાબડાઓને ભરવાનું કામ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ઉપાડવામાં આવ્યું છે. અને તંત્રનો હાલ એવો દાવો પણ છે કે રાજકોટમાં 80 ટકા રોડ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થઇ ચૂક્યું છે.
- વરસાદના કારણે અંદાજીત રૂપિયા 5 કરોડથી વધારે રોડ-રસ્તાઓને નુકસાન
- રાજકોટ મનપા દ્વારા શહેરમાં રોડ-રસ્તાઓને લઈને સર્વે કરવામાં આવ્યો
- દિવાળી પહેલા તમામ રસ્તાઓનું કામ પૂર્ણ થશે
રાજકોટ: રાજકોટમાં ભારે વરસાદ આવ્યા બાદ શહેરના મોટાભાગના રસ્તાઓ પર ખાડા પડવાની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે કેટલાક રસ્તાઓ તો ભારે વરસાદના કારણે ધોવાઇ ગયા હતા. જેને લઈને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કયાં વિસ્તારમાં કેટલા રોડ-રસ્તાઓ તૂટ્યા અથવા ધોવાયા છે તેને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા પાંચ કરોડથી વધુ રોડ-રસ્તાઓને નુકસાન થયાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ હવે વરસાદની સિઝન પૂરી છે. એવામાં કોર્પોરેશન દ્વારા રસ્તાઓનું સમારકામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને દરરોજ કોર્પોરેશનની ટીમ અલગ-અલગ રોડ રસ્તા ઉપર પેચ વર્ક કરીને તેનું સમારકામ કરી રહી છે. જે આગામી દિવાળી સુધીમાં આ તમામ રસ્તાઓ યોગ્ય થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રોડ રસ્તાઓનું સમારકામ 80 ટકા પૂર્ણ
રાજકોટમાં ભારે વરસાદના કારણે અંદાજીત રૂપિયા 5 કરોડથી વધુના રોડ-રસ્તાઓને નુકસાન થવા પામ્યું હતું. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે ચોમાસુ ગયા બાદ આ રોડનું કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ સોસાયટીઓ અને ગલીઓ સહિતના માર્ગો પર જ્યાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ત્યાં રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. તેમજ જ્યાં રસ્તા ઉપર ગાબડા પડયા છે ત્યાં આ ગાબડાઓને પૂરીને પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે. આમ આ રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં લગભગ 80 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
દિવાળી પહેલા તમામ રસ્તાઓનું કામ પૂર્ણ થશે
રાજકોટમાં રસ્તાના કામને લઈને મેયર ડૉ. પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ભારે વરસાદના કારણે અંદાજીત રૂપિયા 5 કરોડથી વધારે રોડ-રસ્તાઓને નુકસાન થવા પામ્યું હતું. જેને લઇને કોર્પોરેશન દ્વારા હવે ચોમાસાની રસ્તાઓને સમારકામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે મુખ્ય માર્ગો સહિતના શહેરના સોસાયટીને જોડતા માર્ગો પર અંદાજીત 80 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે. તેમજ આગામી ત્રણથી ચાર દિવસમાં રસ્તાઓનું તમામ કામ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો : સુરત TRBમાં ફરજ દરમિયાન મર્ત્યું પામેલ પરિવારને 7 લાખનો ચેક આપવામાં આવ્યો
આ પણ વાંચો : ટોક્યો પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાઇ