- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં
- યુનિવર્સિટીમાં ગાર્ડનિંગમાં વધારાના 6 લાખ રૂપિયા વપરાયા છે
- કોંગ્રેસના નેતા નિદત બારોટ યુનિવર્સિટી પર કર્યા આક્ષેપ
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં માટી કૌભાંડ સામે આવ્યા બાદ હવે યુનિવર્સિટીમાં ગાર્ડનિંગમાં વધારાના રૂપિયા 6 લાખનો ખર્ચો કરાયાનું પ્રકાશમાં આવ્યું છે. જેને લઇને કોંગ્રેસ નેતા નિદત બારોટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને આ મામલે તપાસ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. કોંગી નેતા દ્વારા યુનિવર્સિટી ઉપર આક્ષેપ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ દ્વારા જો જરૂર જણાય તો તપાસના આદેશ પણ કરાયા છે.
ફૂલ-છોડના જતન માટે વધારાના રૂપિયા 6 લાખનો ખર્ચ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેક કમિટીના મૂલ્યાંકન સમયે અલગ અલગ બ્યુટીફીકેશનના કામો કરાવ્યા હતા. જે સમયે ગાર્ડનિંગનું કામ પણ યુનિવર્સિટી દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ ગાર્ડનિંગના કામમાં ફૂલ અને છોડ માટેના વધારાના રૂપિયા 6 લાખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વાપરવામાં આવ્યા છે. આ પ્રકારનો આક્ષેપ કોંગ્રેસ નેતા નિદત બારોટ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસ નેતા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે દર વર્ષે ફૂલછોડના જતન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂપિયા 20 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં આ વધારાના 6 લાખ રૂપિયાનો ખર્ચ કેવી રીતે કર્યો તેની તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો : યુનિવર્સિટી માટી કૌભાંડ અંગે રજિસ્ટ્રારએ કહ્યું, 'મારુ કામ માટીના ફેરા ગણવાનું નથી'
યુનિવર્સિટીમાં અનેક કામો વગર ટેન્ડરે અપાયાનો આક્ષેપ
સમગ્ર મામલે કોંગી નેતા નિદત બારોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેકના ઈન્સપેક્શનના નામે યુનિવર્સિટીમાં અનેક કામો ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર આપવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના કામોમાં ગેરરીતિ થઇ હોવાનું જણાઈ આવે છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં વૃક્ષોને વાવી અને તેના જતન માટે રૂપિયા 6 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર 15થી 20 જેટલી બિલ્ડિંગમાં જ આ કામ કરવામાં આવ્યું છે.
આ મામલે જરૂર જણાય તો તપાસ કરશું: ઉપકુલપતિ
કોંગી નેતા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરવામાં આવેલ બ્યુટીફીકેશનના કામ અંગે સવાલો ઉભા કરવામાં આવતા આ અંગે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ એક હજાર વિઘામાં પથરાયેલું છે. જ્યારે દર વર્ષે હજારો વૃક્ષો વાવવામાં આવે છે. યુનિવર્સિટીના જે કામ મામલે સવાલો ઉઠાવવામાં આવ્યા છે તે આ કામ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી અને કમીટીએ જે નિર્ણય કર્યો છે તે મુજબ જ આપણે વૃક્ષો અને તેના છોડોની ખરીદી કરી છે અને આ કામને સિન્ડિકેટમાં પણ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે આ કામમાં સવાલો ઉભા થઇ રહ્યા છે તો જરૂર જણાશે તો અમે આ મામલે પણ તપાસ કરાવીશું.