- ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ
- સિઝનની રેકોર્ડ બ્રેક દોઢ લાખ ગુણી કરતા વધુ મગફળીની આવક
- માર્કેટ યાર્ડ બહાર 5 કિમી કરતા વધુ લાંબી કતાર જોવા મળી
- માર્કેટ યાર્ડમાં મગફળી ન સમાતા બાજુના મેદાનમાં મુકવી પડી
ગોંડલઃ ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની રેકોર્ડ બ્રેક દોઢ લાખ ગુણી કરતા વધુ મગફળીની આવક રવિવારે થઈ છે. આ આવક માર્કેટ યાર્ડની સ્થાપના થઈ ત્યારથી લઈ અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ બ્રેક આવક ગણાય છે. રવિવારે એક જ દિવસમાં મગફળીની 1 લાખ 75 હજાર ગુણી કરતા વધુ આવક થઈ હતી. છેલ્લા ઘણા સમયથી ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. વારંવાર યાર્ડમાં મગફળીની 1 લાખ ગુણી કરતા વધુ મગફળીની આવકો જોવા મળતી હતી, પરંતુ રવિવારે માર્કેટ યાર્ડમાં મગફળીની આવકનો પ્રારંભ કરતાં માર્કેટ યાર્ડ બહાર 5 કિમી કરતા વધુ મગફળી ભરેલા વાહનોની કતારો જોવા મળી હતી.
જાડી મગફળીના રૂપિયા 1066 તો જીણી મગફળીના રૂપિયા 1126 સુધીના ભાવ બોલાયા
આ સાથે જ એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક મગફળી આવક સાથે માર્કેટ યાર્ડ મગફળીથી ભરચક થતા યાર્ડ સતાધીશોને માર્કેટ બહારના ગ્રાઉન્ડમાં મગફળીનો જથ્થો ઠાલવવાની ફરજ પડી હતી. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજીમા મગફળીના 20 કિલોના જાડી મગફળીના ભાવ રૂપિયા 720થી લઈને 1066 અને જીણી મગફળીના રૂપિયા 740થી 1126 સુધીના બોલાયા હતા. આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સરકારે ટેકાના ભાવે મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 1055 નક્કી કર્યા છે.
હાલમાં ગોંડલ માર્કેટ મગફળીથી ઊભરાતું જોવા મળે છે
હાલમાં માર્કેટ યાર્ડોમાં વધતી જતી મગફળીની આવકો સાથે મગફળીની સુધરતી બજાર વચ્ચે ટેકાના ભાવની સરખામણીએ પહોંચી જવાની સાથે ગોંડલ માર્કેટ યાર્ડ વારંવાર મગફળીથી ઊભરાતું જોવા મળી રહ્યું છે.