રાજકોટઃ ઈ.સ .૧૯૫૪ માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ ૩૪ ફૂટની ઉંચાઈ અને ૨૯ દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા ૬૬૪૮ MCFTની છે. છેલ્લાં ૬૫ વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્યાર સુધીમાં ૨૨ વખત ઓવરફ્લો થયો છે. અને હાલ આજે ઓવરફ્લો થતા ૨૩મી વાર ઓવરફ્લો થયો, આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની ૨૨ લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે.

આમ તો સિંચાઇના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની ૭૮ કિમી લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ૪૬ ગામોની ૩૬૮૪૨ હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સારી રહેતાં આજે વહેલી સવારે ઈજનેર દ્વારા અધિકૃત રીતે ડેમને ઓવરફ્લો થતાં તમામ દરવાજાઓ વારાફરતી ખોલ બંધ કરી ચેક કર્યા બાદ ડેમ પર હાલ દર કલાકે ક્યૂસેક પાણીની આવક ચાલુ હોઈ ડેમના ૨ દરવાજાને એક ફૂટ ખુલ્લાં રાખવામાં આવ્યાં છે.

પાણીના જાવરાને ધ્યાનમાં લઇનેે ભાદર નદીના પટ વિસ્તારમાં આવતાં જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોરણાના સહિતના 22 ગામોના રહીશોને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.