રાજકોટઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીને ખાળવા માટે સૌ કોઇ પોતાનાથી બનતું શ્રેષ્ઠ કરી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને ખાળવા માટે જરૂરી પગલાંઓ લેવાઇ જ રહ્યાં છે. આરોગ્ય વિભાગની યશકલગી સરધારના ભાવનાબેન થકી વધુ ઉજ્જવળ બની છે. આ કહાની ભાવનાબેનના શબ્દોમાં જ જાણીએ...
‘‘જ્યારે કોરોના બીમારી ગુજરાતમાં પ્રવેશી ત્યારે મને પાંચ માસની પ્રેગ્નન્સી હતી અને આરોગ્ય વિભગની કર્મચારી હોવાથી આ રોગની ભયાનકતાની મને પુરેપુરી ખબર હતી. એક બાજુ મારી વ્યક્તિગત તબિયત અને બીજી બાજુ સામૂહિક જવાબદારીઓ. આ બંનેમાંથી મારે કોને પ્રાથમિકતા આપવી, તે નક્કી કરવું મારા માટે ખૂબ અઘરૂં હતું, પરંતુ મેં લાંબુ વિચાર્યું અને મને લાગ્યું કે, જરૂરતના સમયે હું મારી ફરજ ન બજાવું તો મને કંઇક ખોટું કર્યાની લાગણી આજીવન રહેશે.
એટલે હું મારી ફરજો તો બજાવીશ જ, પરંતુ એ માટે જરૂરી સાવચેતીઓનું હું અચૂક પાલન કરીશ તો પ્રેગ્નન્સીના સમયે સ્વાર્થી ન બનવા બદલ હું આજીવન મૂક આનંદ લઇ શકીશ. એ વિચારીને હું મારી ફરજો નિયમિતપણે બજાવું છું. જ્યારે મને મારી તબિયાત ખરાબ લાગે, ત્યારે હું આરોગ્યવિષયક જરૂરી ઇલાજો કરી લઉં છું. આરોગ્ય વિભગમાં નોકરી કરવાનો મને આ રીતે અંગત ફાયદો પણ થાય છે અને ફરજ બજાવ્યાનો આત્મસંતોષ પણ મળે છે...
સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો. વિવેક કોટડીયા ભાવનાબેનની કાર્યનિષ્ઠાના વખાણ કરતાં જણાવે છે કે, અમારા કેન્દ્રના બધા કર્મચારીઓ ભાવનાબેન જેવી જ ઉત્કૃષ્ટતાથી પોતાની ફરજો બજાવે છે,જેનું અમને ગૌરવ છે. જ્યાં સુધી ભાવનાબેન જેવા પ્રતિબધ્ધ અને ફરજને વરેલા કર્મચારીઓ ભારતમાંથી કોરોનાની બીમારીને હટાવવા માટે કાર્યરત છે, ત્યાં સુધી ભારતના નાગરિકોને ઉની આંચ પણ આવવાની નથી, એ તો નક્કી જ છે.