- મુખ્યપ્રધાન અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
- વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન મુખ્યપ્રધાનની તબિયત બગડી હતી
- અમદાવાદમાં મુખ્યપ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
રાજકોટઃ થોડા દિવસ પહેલાં જ મુખ્યપ્રધાન વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટેજ ઉપર પડી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો. જોકે, હાલ તેમની સારવારના પાંચથી વધુ દિવસ થઈ ગયા હોય તેમની તબિયતમાં પણ ઘણો સુધારો આવ્યો છે. ત્યારે તેમના સ્વાસ્થ્યમાં જલદી સુધારો આવે તે માટે રાજકોટ બાલાજી મંદિરે સંગીતમય મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપી શકે છે મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન રાજકોટના વોર્ડ નંબર 10ના મતદાર છે ત્યારે સાંજે તેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેઓ કોરોનાની ગાઈડલાઈન મુજબ સાંજના 5થી 6 વાગ્યાની અંદર રાજકોટ મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપી શકે છે. જ્યારે હાલ તેમની તબિયતમાં ઘણો જ સુધારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કરવા માટે આવશે તેવી શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે.