- રાજકોટ શહેરમાં કોવિડ દર્દીઓની સાથે મૃત્યુ આંક પણ વધ્યો
- મેયર પ્રદિપ ડવે સ્મશાનોમાં મૃતદેહોની સમયસર અંતિમ માટે વ્યવસ્થા ગોઠવી
- સ્મશાનોમાં બંધ ભઠ્ઠીઓને ચાલુ કરવા સંચાલકોને અપીલ કરી
રાજકોટઃ રાજકોટ શહેરમાં છેલ્લા 2-3 દિવસથી કોવિડ દર્દીઓનો મૃત્યુ આંક વધ્યો છે. જેમાં કોરોનાનાં મૃતકોની સંખ્યા પણ વધી છે. ત્યારે, સ્મશાનોમાં અગ્નિ સંસ્કાર માટે મૃતદેહોની કતારો જોવા મળતાં મોતનો મલાજો જળવાતો નહીં હોવાની લાગણી લોકોમાં ફેલાઇ રહી છે. જેને લઈને, રાજકોટના મેયર પ્રદિપ ડવે સ્મશાનોમાં મૃતદેહોની સમયસર અંતિમ વિધી થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા બેઠક યોજી જરૂરી સુચનાઓ આપી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં સપ્તાહમાં ત્રણ દિવસ યાર્ડ બંધ રહેશે
શહેરમાં કોવિડગ્રસ્ત મૃતદેહો માટે અન્ય સ્મશાનમાં વ્યવસ્થા ઉભી કરાઈ
રાજકોટ શહેરનાં સ્મશાનો ઉપરાંત વાવડી, મવડી, મુંજકા, ઘંટેશ્વર, માધાપર વગેરેનાં સ્મશાનોનું સંચાલન કરતી સંસ્થાઓનાં સંચાલકો સાથે મેયર પ્રદિપ ડવ, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ વગેરેએ મીટીંગ યોજી અને સ્મશાનોમાં મૃતદેહોની કતારો ન લાગે તે માટે તંત્રને સહયોગી થવા અને જરૂર પડ્યે સ્મશાનોને વધારાની ગ્રાન્ટ ફાળવવા તૈયારી બતાવી હતી. જ્યારે, સ્મશાનોમાં બંધ ભઠ્ઠીઓને ચાલુ કરવા જરૂરી ચીજ-વસ્તુઓ રાખવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: રાજકોટ મહિલા ભાજપ અગ્રણી સહિત પરિવારના સભ્યો થયા કોરોના સંક્રમિત
મોતનો મલાજો જાળવવા તંત્રનું એક્શન મોડ
શહેરના રામનાથ પરા સ્મશાનમાં બંધ પડેલી ઇલેકટ્રીક ભઠ્ઠી પણ તાકીદે શરૂ કરી દેવાશે. આ ઉપરાંત, કોરોના મૃતકો માટે અલગ અગ્નિસંસ્કારની વ્યવસ્થા માટે સેન્ટ્રલી કંટ્રોલ રૂમ શરૂ કરવા પણ મનપા દ્વારા વિચારણા હાથ ધરાઇ હતી. આમ મોતનો મલાજો જળવાઇ રહે અને મૃતકોનાં સગા-સ્નેહીઓ દુઃખદ ક્ષણોમાં ખોટી રીતે હેરાન-પરેશાન ન થાય તે માટે મનપાના પદાધિકારીઓ દ્વારા સંવેદના સભર વ્યવસ્થા ગોઠવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.