- 20 વર્ષની યુવતીએ અત્યાર સુધીમાં 50 કરતાં પણ વધુ સાપનું કર્યું રેસ્ક્યૂ
- હિનાએ માત્ર 16 વર્ષની ઉંમરથી જ સાપ પકડવાનું કામ શરૂ કર્યું
- રાજકોટ જિલ્લામાં એક માત્ર સર્પ મિત્ર યુવતી હિના ચાવડા
રાજકોટ: રાજકોટ( Rajkot )ના સોરઠીયાવાડી સર્કલ નજીક રહેતી હિના ચાવડા ( Hina Chavda ) નામની 20 વર્ષની યુવતીએ અત્યાર સુધીમાં 50 કરતાં પણ વધુ સાપને પકડી રેસ્ક્યૂ ( Snake Snatching ) કર્યા છે. એવા કોઈ કામ નથી કે જે યુવતીઓ ન કરી શકે, આથી રાજકોટવાસીઓ માટે આ ગર્વ લેવા જેવી બાબત છે. હિના માત્ર 16 વર્ષની ઉંમરથી જ સાપ પકડવાનું કામ કરી રહી છે. સાપ પકડવુંએ ખૂબ જ જોખમ ભર્યું કામ છે, છતાં હીના ખુબ જ સફળતાથી સાપને પકડવાનું કામ કરે છે. આથી, રાજકોટ સહિતના વિસ્તારોમાં તે આ કામ માટે ખૂબ જ જાણીતી બની છે.
આ પણ વાંચો: 34 વખત સાપ ડંખવાથી મહિલાનું શરીર બન્યુ ઝેરીલું, અંતે કોબ્રા જ થયો બેહોશ...!
4 વર્ષમાં 50 કરતાં વધુ સાપને પકડીને કર્યા રેસ્ક્યૂ
20 વર્ષની હિનાએ સાપને રેસ્ક્યૂ કરવાનું કામ 16 વર્ષની ઉંમરથી જ શરૂ કર્યું હતું. જેના માટે તેને ટ્રેનિંગ પણ લીધી હતી, અત્યાર સુધીમાં તેણે અલગ-અલગ પ્રકારના 50 કરતાં પણ વધુ સાપને પકડીને રેસ્ક્યૂ કર્યા છે. હિના ચાવડા અત્યારે BAનો અભ્યાસ કરી રહી છે. હાલ તે સાપ રેસ્ક્યૂ કરવા માટે રાજકોટ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાણીતી બની છે. સાપને રેસ્ક્યૂ કરવા માટે 2 થી 3 લોકોની જરૂર પડે છે. આથી, હીનાને સાપ રેસ્ક્યૂ કરવાના કામમાં તેના પિતા અને ભાઈ પણ મદદ કરે છે. જેને લઇને તે સરળતાથી સાપને પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ રેસ્ક્યૂ કરી શકે છે.
એવું કોઈ કામ નથી જે દીકરીઓ ન કરી શકે: હિના
હિના ચાવડાએ સાપ રેસ્ક્યૂ અંગે ETV Bharat સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, એવું કોઈ કામ નથી જે દીકરીઓ ન કરી શકે, જ્યારે સાપને રેસ્ક્યૂ કરવું થોડું મુશ્કેલ છે અને જીવને પણ જોખમ છે, ત્યારે સાપને પકડતા પહેલા તેના સ્વભાવને પણ આપણે સમજવો પડે છે. ત્યારબાદ જ સાપનું રેસ્ક્યૂ થઈ શકે છે. જે કામ કોઈક વાર જોખમી પણ સાબિત થઈ શકે છે, ત્યારે છેલ્લા 4 વર્ષથી હું સાપને રેસ્ક્યૂ કરવાનું કામ કરી રહી છે.
આ પણ વાંચો: વડોદરામાં એશિયાનો સૌથી ઝેરી કાળોતરો સાપ લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા Party plotથી મળી આવ્યો
સાપ રેસ્ક્યૂ અંગેના કેમ્પમાં જોડાયા બાદ કામ શરૂ કર્યું
હિના ચાવડાએ લગભગ 4 વર્ષ પહેલા સાપને રેસ્ક્યૂ કરવા માટેના કેમ્પમાં ભાગ લીધો હતો, ત્યારથી જ તેને રાજકોટમાં સાપ રેસ્ક્યૂ કરવાના કામમાં નિપુણતા મેળવી હતી. સાપ રેસ્ક્યૂ કરવા માટેના લોકોનું એક આખું ગ્રુપ છે. જેમાં અલગ અલગ સ્થળોએથી અને રહેણાંક વિસ્તારમાંથી સાપને પકડીને તેને રેસ્કયુ કરવામાં આવે છે. રાજકોટમાં હાલ એક યુવતી સાપને રેસ્કયુ કરવાના કામમાં જોડાઈ છે. જેને લઈને તેના માતા-પિતા પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.