- એલસીબીએ કર્ણાટકની નાયડુ ગેંગના 4 આરોપીને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
- હજુપણ વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા
- બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકો ની નજર ચૂકવી ગુનાને અંજામ આપતા
રાજકોટ : ગ્રામ્ય એલસીબીએ કર્ણાટકની નાયડુ ગેંગના 4 આરોપીને રૂ. 3.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.આરોપીઓએ બે માસ પહેલા શાપર નજીક થયેલી 5 લાખની ચોરી સહિત 11 ગુન્હાની કબૂલાત કરી છે. પોલીસે શાપર નજીકથી આ ગેંગનાં 4 સભ્યોને ઝડપી લઈ પૂછપરછ કરતા આ ગેંગે રાજકોટ જિલ્લા ઉપરાંત રાજસ્થાનમાં પણ ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જેમાં હજુપણ વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા સેવાઈ રહી છે.
રાજ્યમાં અલગ અલગ 11 ચોરીને અંજામ આપ્યો
પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો નાયડુ ગેંગના નામે ઓળખાય છે અને તેઓ બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકો ની નજર ચૂકવી ચોરીના ગુનાને અંજામ આપતા હતા.આરોપીઓ કોઇ પણ જિલ્લામાં પ્રવેશ કરી બાદમાં મકાન ભાડે રાખી અને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ રજૂ કરી OLX એપ્લિકેશન પરથી મોટરસાયકલની ખરીદી કરી બાદમાં રેકી કરી અને ચોરીના ગુના ને અંજામ આપતા હતા.આ ટોળકીએ ગુજરાતના રાજકોટ , અમદાવાદ , સુરેન્દ્રનગર , જામનગર ઉપરાંત ,રાજસ્થાન , મહારાષ્ટ્ર , અને કર્ણાટક રાજ્યમાં અલગ અલગ 11 ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે..
પોલીસે આ 4 શખ્સોની ધરપકડ કરી
પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલ આરોપી પૈકી હરીશ ઉર્ફે અશિસ નાયડુ વિરુધ્ધ મહારાષ્ટ્ર , કર્ણાટક અને રાજસ્થાનમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. હાલ તો પોલીસે આ 4 શખ્સોની ધરપકડ કરી ગેંગ દ્વારા કેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ક્યાં સગેવગે કર્યો છે. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.