- રાજકોટ મહાનગરપાલિકાના અલગ-અલગ વિસ્તારમાં કુલ 21 જેટલા આરોગ્ય કેન્દ્ર
- 50 જેટલી ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં પણ આવશે
- ત્રણેય ઝોનમાં મહિલાઓ માટે પણ અલગ ગાર્ડન નિર્માણ કરવાની જોગવાઈ
રાજકોટઃ રાજકોટ મનપા કમિશનર દ્વારા તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીને બજેટ સોંપ્યું હતું. જેમાં આજે સુધારા વધારા કરીને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.16 કરોડના વધારાની યોજના સાથે આ બજેટને મંજુર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ દ્વારા આજે બેઠકમાં બજેટ અંગેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. તેમજ કમિટીના સભ્યોએ આ બજેટને મંજુર કર્યું હતું. રાજકોટ મનપા સ્ટેન્ડિંગ દ્વારા રૂ. 2291.24 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં અનેક નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કોઈ નવો કરવેરો નાખવામાં આવ્યો નથી.
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બ્રિજ
રાજકોટ શહેરના વિકાસના પગલે તેમા ટ્રાફિકની સમસ્યામાં પણ ખૂબ જ વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા બજેટમાં રાધે ચોકડી, કોઠારીયા અને સોરઠીયા સર્કલ ખાતે બ્રિજ બનાવવામાં આવશે. જેને લઇને રાજકોટમાં આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા થોડી ઘણી હળવી કરી શકાય. જ્યારે શહેરમાં એર પોલ્યુશન ઘટાડવા માટે કોર્પોરેશન દ્વારા આગામી એપ્રિલ સુધીમાં 50 જેટલી ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં પણ આવશે. જે રેગ્યુલર થયા બાદ તેમાં પણ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 45 કરોડના કામોને અપાઈ લીલીઝંડી
આરોગ્ય કેન્દ્રનું અતિઆધુનિક બનાવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકાના અલગ-અલગ વિસ્તારમાં કુલ 21 જેટલા આરોગ્ય કેન્દ્ર છે. ત્યારે આ બજેટમાં આરોગ્ય કેન્દ્ર અને વધુમાં વધુ આધુનિક બને તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેને લઇને આગામી દિવસોમાં રાજકોટવાસીઓને સારી આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે, આ સાથે જ રાજકોટમાં ત્રણેય ઝોનમાં મહિલાઓ માટે પણ અલગ ગાર્ડન નિર્માણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે બાળકો માટે થીમ બેઈઝ ચિલ્ડ્રન પાર્કનું પણ રાજકોટમાં આગામી દિવસોમાં નિર્માણ કરવામાં આવશે. જેના માટે પણ બજેટમાં અલગ રકમની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટ મનપા દ્વારા 38 દુકાનોની હરાજી કરવામાં આવી
વોર્ડ નંબર 12માં નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવામાં આવશે
રાજકોટના વોર્ડ નંબર 12માં નવું આધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવનાર છે. જે માટે પણ રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં ઇ-લાઇબ્રેરી બનાવવામાં આવશે. જ્યારે 10 જેટલા સ્થળોએ ઇ-ટોયલેટ માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં નવા ભડેલા 5 જેટલા ગામોમાં પણ આગામી દિવસોમાં સર્વે કરીને ત્યાં પણ લોકોને વધારામાં વધારે સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટેની કામગીરી કરવામાં આવશે.