- રાજકોટ મનપા કમિશ્નર દ્વારા અર્બન ફોરેસ્ટ સહિતના વિવિધ સ્થળોની મુલાકાત અને સમીક્ષા કરાઈ
- અર્બન ફોરેસ્ટનું કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ
- અર્બન ફોરેસ્ટ શહેરીજનો માટે ફરવા લાયક એક સુંદર સ્થળ બનશે
રાજકોટઃ શહેરને સ્માર્ટ અને વિકાસ તરફ વેગવંતુ બનાવવા હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટમાં શહેરને પ્રાકૃતિક અને સોંદર્યથી સજ્જ બનાવવાના પ્રોજેક્ટનો પણ સમાવેશ થઇ રહ્યો છે. શહેરને એક ગ્રીન અને પ્રાકૃતિક સોંદર્ય બનાવવા માટે આજી ડેમ પાસે વિકસતું અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું કાર્ય પ્રગતિ પર છે. કામગીરીની સમીક્ષા અને પ્રોગ્રેસિવ રીપોર્ટ મેળવવા માટે મંગળવારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે અર્બન ફોરેસ્ટ તેમજ 80 ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે આવેલા જગ્યા રોકાણ પ્લોટ, ભક્તિનગર સર્કલ પાસે આવેલા ગીતાનગર હોકર્સ ઝોન અને પારડી રોડ પર આવેલા પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલની મુલાકાત અને સમીક્ષા કરી હતી.

અર્બન ફોરેસ્ટનું કામ ઝડપી પૂર્ણ થાય તેવી સૂચના અપાઈ
કમિશનર ઉદિત અગ્રવાલે કુદરતી સોંદર્ય ધરાવતા અર્બન ફોરેસ્ટમાં ચાલી રહેલા આંતરિક રસ્તાના કામ, ફૂલછોડ વાવવાના કામ તેમજ પાણીની પાઈપલાઈન, પંપ વગેરેના કાર્યોની પ્રગતિ નિહાળી હતી. તેમજ નિર્ધારિત લક્ષ્યાંકિત સમયમાં કામ પૂર્ણ કરવા સુચના આપી હતી. આ કામગીરી સમયસર અને ઝડપી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીને સુચના આપી હતી. સાઈટની મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી અને એ.આર.સિંહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અર્બન ફોરેસ્ટ ખાતેની મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનરએ પ્લાન્ટેશન અંગે વિસ્તૃત માહિતી મેળવી તેમજ વોટર વર્કસ નેટવર્ક સિસ્ટમ અંગે માહિતી મેળવી હતી.

ખાણીપીણીના લારીવાળાને ગીતાનગર હોકર્સ ઝોનમાં શિફ્ટ કરાશે
સિવિલ કામગીરી જેમ કે રસ્તા અને કમ્પાઉન્ડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી હતી. અર્બન ફોરેસ્ટ પાસેના ડીપી રોડ પરના બંને સાઈડમાંથી રબીશ દુર કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી. ૮૦ ફૂર રોડ પર આવેલ અમુલ સર્કલ પાસેના દબાણ હટાવ શાખાના પ્લોટમાં સી.સી. વર્ક કરવા તેમજ સ્ક્રેપની હરરાજી કરી નિકાલ કરવા દબાણ હટાવ શાખાને સુચના આપી હતી. ભક્તિનગર સર્કલ પાસે આવેલ મેઘાણી રંગભવન પાછળ ઉભા રહેતા ખાણીપીણીના લારીવાળાને ગીતાનગર હોકર્સ ઝોનમાં શિફ્ટ કરવા સુચના આપવામાં આવી હતી તેમજ પારડી રોડ પર આવેલા પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલને સેન્ટ્રલ એરકન્ડીશન કરવા માટે જરૂરી પ્લાનીંગ કરવા સુચના આપી હતી.
અર્બન ફોરેસ્ટ શહેરીજનો માટે ફરવા લાયક એક સુંદર સ્થળ બનશે
શહેરને સુંદર અને રળિયામણું બનાવવા રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યશીલ રહી છે, લોકોને વધુ સારી સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ પોતે રૂબરૂ કામગીરીની સમીક્ષા કરે છે. તેમજ કામગીરીનો પ્રોગ્રેસ રીપોર્ટ મેળવી આવશ્યક સૂચનાઓ પણ આપવામાં આવે છે. કામગીરી ઝડપથી પૂર્ણ કરી શહેરીજનોને અર્પણ કરવાના સતત પ્રયત્નો કરાતા રહ્યા છે. આજીડેમ પાસે નિર્માણ પામનારા ભવ્ય અર્બન ફોરેસ્ટ શહેરીજનો માટે ફરવા લાયક એક સુંદર સ્થળ બની રહેશે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન રાજકોટ માટે ઉમદા સ્થળ ગણાશે.