- નંબર-1ના કોંગ્રેસના ભરતભાઈ આહીરનું ફોર્મ રદ
- ઉમેદવારોના ફોર્મ રદ થતા રાજકોટ શહેર કોંગ્રસમાં રોષ
- વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ડમી ઉમેદવાર રામ ભાઈ આહીરનું ઉમેદવારી પત્ર માન્ય
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે. જેને લઇને રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. ત્યારે આજે સોમવારે ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના કોંગી ઉમેદવાર ભરત શિયાળનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તેમજ નારણભાઈ સવસેતાનું પણ ફોર્મ રદ કરાયું છે. જેને લઇને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગી ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવતા રાજકોટ શહેર કોંગ્રસમાં રોષ જોવા મળી રહ્યો છે.
ટેલિફોનિક વાતચીત બાદ ફોર્મ ભર્યું પછી મેન્ડેટ ન અપાયું
પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 11 જેટલા નામો પર છેલ્લે સુધી સસ્પેન્સ જોવા મળ્યું હતું. જેને લઇને કેટલાક ઉમેદવારોને પ્રદેશમાંથી ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવી હતી કે તેઓ ફોર્મ ભરે પરંતુ તેમને મેન્ડેટ આપવામાં આવ્યા નહોતા, મેન્ડેટ વગર જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં આજે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ભરત ભાઈ આહીરનું ફોર્મ તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યું છે અને સામે આવ્યું છે કે, તેમણે મેન્ડેટ રજૂ કર્યું નથી એટલે તેમનું ફોર્મ થયું છે. જ્યારે વોર્ડ નંબર 4ના કોંગી ઉમેદવાર નારણભાઇ સવસેતાનું પણ આજે ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
ત્રણ બાળકો હોવા છતાં પણ ભર્યું ઉમેદવારી ફોર્મ
કોંગ્રેસ ઉમેદવાર નારણભાઈએ પણ વોર્ડ નંબર 4માંથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે તેમનું ફોર્મ આજે રદ કરવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે, તેમને બે કરતા વધુ બાળકો હોવાના કારણે તેમનું ફોર્મ રદ કરાયું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગર પાલિકામાં કુલ ૭૨ બેઠકો છે જેને લઈને ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા ૭૨ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે, પરંતુ વોર્ડ નંબર 1 અને 4માં કોંગી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવતા રાજકોટ મનપાની ચૂંટણીમાં ભારે ખેંચતાણ વર્તાઈ રહી છે. જ્યારે બીજી તરફ વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ડમી ઉમેદવાર રામ ભાઈ આહીરનું ઉમેદવારી પત્ર માન્ય રખાયું છે.