- રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ લાભ પાચમના દિવસથી ખુલ્યું
- આજથી કપાસ અને મગફળીની આવક શરૂ થઈ
- લાભ પાંચમના દિવસે મગફળીની 60 હજાર ગુણની આવક
રાજકોટ : દિવાળીના તહેવાર બાદ લાભ પાંચમથી વેપારીઓ પૂજા સાથે વેપાર ધંધાની શરૂઆત કરતા હોય છે, ત્યારે રાજકોટ બેડી યાર્ડમાં (Bedi Marketing Yard) પણ મંગળવારથી નવા પાકની આવક શરૂ થઈ છે. જેમાં લાભ પાંચમના (Labh Pacham 2021) દિવસે સવારમાં જ 60 હજાર જેટલી મગફળીની ગુણની આવક થઈ હતી. આ સાથે 26 હજાર મણ જેટલી કપાસની આવક પણ નોંધાઇ હતી. લાભ પાંચમની આગલી રાતે જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને રાજકોટ બેડી યાર્ડ બહાર લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. યાર્ડ ખૂલતાની સાથે જ ખેડૂતો પોતાના માલ ખુલ્લી બજારમાં વેચવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા.
મગફળીનો ભાવ 850થી 1050 રૂપિયા સુધીનો જોવા મળ્યો
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખુલ્લી બજારમાં આજે મંગળવારે વહેલી સવારથી જ ખેડૂતો મગફળી વેચવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. મણનો ભાવ 850થી લઈને 1050 રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો. જે આજે ટેકાના ભાવ કરતાં ઓછો નોંધાયો હતો, જ્યારે દિવાળી પહેલા મગફળીનો ભાવ ખુલ્લી બજારમાં રૂપિયા 1200ની આસપાસ નોંધાયો હતો, પરંતુ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થતા ખુલ્લી બજારમાં મગફળીના ભાવમાં રૂપિયા 30થી લઈને રૂપિયા 80 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
યાર્ડમાં 26 હજાર મણ કપાસની આવક
સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે હાલ મગફળીની ટેકાના ભાવની ખરીદી શરૂ થઈ છે. એવામાં ખુલ્લી બજારમાં કપાસનો પાક પણ વેચાવા માટે આવી રહ્યો છે. આજે લાભ પાંચમના દિવસથી જ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં 26 હજાર મણ કપાસની આવક નોંધાઇ હતી, ત્યારે કપાસના ભાવ એક મણે રૂપિયા 1350થી લઈને રૂપિયા 1730 સુધીના જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિવાળીને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બંધ હોવાના કારણે ખેડૂતો પોતાનો માલ વેચી શક્યા નહોતા.
દિવાળી બાદ ખુલ્લી બજારમાં મગફળી કપાસના ભાવ ઘટ્યા
લાભપાંચમથી રાજકોટના બેડી યાર્ડ ખાતે મગફળી અને કપાસની આવક મોટા પ્રમાણમાં નોંધાય છે, પરંતુ દિવાળી બાદ મગફળીના ભાવમાં રૂપિયા 30નો ઘટાડો નોંધાયો છે, જ્યારે કપાસના ભાવમાં પણ રૂપિયા 50નો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં ખેડૂતોને નવા પાકની વાવણી માટે પૈસાની તાતી જરૂરિયાત હોય છે, જેને લઇને મોટા ભાગના ખેડૂતો ટેકાના ભાવ મગફળીને વેચવા કરતા ખુલ્લી બજારમાં પોતાના પાકો વહેંચી રહ્યા છે. જેના કારણે ખુલ્લી બજારમાં પણ મોટા ભાગના પાકની આવક વધુ પ્રમાણમાં આવી રહી છે. જેની સીધી અસર આ પાકના ભાવ અને જોવા મળી હતી.
આ પણ વાંચો: