- વિરાટ કોહલીની 'વિરાટ' ફેન
- 4000 ફોટાનો છે સંગ્રહ
- વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી મળ્યો એવોર્ડ
રાજકોટ: મવડી વિસ્તારમાં રહેતી હિરલ બરવડીયા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની 'જબરી ફેન' છે. મારવાડી કોલેજમાં BSC માઈક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી આ યુવતીએ વિરાટ કોહલીના 4000 ફોટાનો સંગ્રહ કરી એક અનોખો રેકોર્ડ પોતાને નામ કર્યો છે.
7 વર્ષથી ભેગા કરતી હતી વિરાટના ફોટા
હિરલ બરવડીયાએ છેલ્લા 7 વર્ષથી એટલે કે વર્ષ 2013થી વિરાટ કોહલીના ન્યૂઝ પેપરમાં આવતા ફોટા, સમાચારના કટીંગ્સ એકઠા કરવાનું કામ શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં હિરલે કોહલીના 1350 યુનિક સહિત 4000 જેટલા અવનવા ફોટોઝનું કલેક્શન કર્યું છે. આ કામમાં હિરલને તેના માતા-પિતા અને ભાઈબહેનનો પણ પૂરતો સહયોગ મળ્યો છે. વિરાટ કોહલી અંગેના કોઇપણ ન્યૂઝ આવે અથવા છાપામાં તેના ફોટોઝ આવે એટલે હિરલ તરત જ આ ફોટોઝને કાપી પોતાની પાસે સાચવીને રાખી દે છે. હાલ તેને આ કામ માટે એવોર્ડ મળ્યો છતાં હજુ પણ તેને કોહલીના ફોટોઝનું કલેક્શન શરૂ રાખ્યું છે.
વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં મળ્યું સ્થાન
હિરલે વર્લ્ડ રેકોર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવતા ગત 6 સપ્ટેમ્બરે હિરલને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી "લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ન્યૂઝ ફોટોઝ"નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જે હિરલ માટે એક અનોખી સિદ્ધિ છે.
હિરલને પિતા શૈલેષ બરવડીયાએ જણાવ્યું હતું કે, "મારી દીકરી હિરલ લગભગ 1થી 10 ધોરણ સુધી અભ્યાસમાં પ્રથમ ક્રમાંકે જ આવી છે. તેણે વિરાટના ફોટોઝ એકઠા કરવાનું કામ ધોરણ 9થી કર્યું હતું, તે સમયે અમને પણ નવાઈ લાગી હતી કે તે શું કરે છે પરંતુ ધીમેધીમે અમે પણ તેને આ કામમાં સહયોગ આપતા હતા. જેનું પરિણામ આજે દુનિયાની સામે છે.”
રાજકોટથી ભાવેશ સોંદરવાનો વિશેષ અહેવાલ...