- રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે વિવિધ ઉજવણી
- રાજ્યભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
- વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો
રાજકોટ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી( CM Vijay Rupani ) સરકારના 5 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને આજે મંગળવારે રાજ્યભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ( PradhanMantri Garib Kalyan Ann Yojana ) કાર્યક્રમનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેનો પ્રારંભ દાહોદ ખાતેથી કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. તેમજ રાજકોટ સહિતના જિલ્લાભરમાં લાભાર્થીઓ વર્ચ્યુઅલ રીતે યોજનામાં જોડાયા હતા. આ તકે યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. જેમાં રાજકોટના લાભાર્થી સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચો: PM Modiએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો
સારી ગુણવત્તા વાળું આપવામાં આવે છે અનાજ
વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના રાજકોટના લાભાર્થી શાળાના સફાઈ કામદાર નયનાબેન જોશી સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન નયનાબેનને વડપ્રધાન મોદી દ્વારા યોજના અંગે પૂછ્યું હતું. જેના જવાબમાં નયનાબેને આ અન્ન કલ્યાણ યોજનાના ભરપૂર વખાણ કર્યા હતા.આ ઉપરાંત, સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ સારી ગુણવત્તા વાળું હોવાનું પણ નયનાબેને જણાવ્યું હતું. તેમજ અન્ન કલ્યાણ યોજના થકી તેમના પરિવારના લોકો પણ ખુશ હોવાનું પણ જણાવાયુ હતું.
રાજકોટનું ઋણ ક્યારેય નહીં ભુલાય : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ રાજકોટના લાભાર્થી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું રાજકોટનું ઋણ કોઈ દિવસ ભૂલી શકીશ નહિ. હું રાજકોટમાંથી જ પ્રથમ વખત ધારાસભ્ય બન્યો હતો, ત્યારે રાજકોટનું ઋણ કેવી રીતે ભુલાય, આ સાથે જ વડાપ્રધાન મોદી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરી હતી.
આ પણ વાંચો: સંવેદનશીલ સરકારનો નિર્ણય, રૂપાણી સરકાર આવી અનાથ બાળકોની વ્હારે
કૃષિપ્રધાન રાજકોટ ખાતેના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
રાજકોટ કલેક્ટર કચેરી નજીક આવેલા સસ્તા અનાજની દુકાન ખાતે આ અન્ન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય કાર્યક્રમ દાહોદ ખાતે યોજાયો હતો, પરંતુ રાજકોટના લાભાર્થીઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રાજકોટ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં રાજ્યના કૃષિપ્રધાન આર.સી ફળદુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.