રાજકોટ: અહીં દાખલ થયેલા દર્દી હસમુખભાઈ ભલાણી તેમનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરતા જણાવે છે કે, હોસ્પિટલનો સ્ટાફ ખુબ જ વિવેકી અને મદદરૂપ બની રહ્યો છે. અહિંયા અમારા માટે પેઇન્ટિંગ, કેરમ બોર્ડ અને પુસ્તકોની જે વ્યવસ્થા કરી છે, તે ખુબ સરસ છે. અમારો સમય પસાર થઈ જાય અને મનમાંથી કોરોનાનો ડર પણ નીકળી જાય છે.
બીજા દર્દી મૌલિકભાઈ પુરોહિત કે જેઓ પાંચ દિવસથી અહીં સારવાર લઈ રહ્યા છે, તેઓ જણાવે છે કે, દાખલ થયો તે પહેલા સિવિલ હોસ્પિટલ વિશે ઘણું બધું નેગેટિવ સાંભળ્યુ હતુ, પરંતુ અહીં જે પારિવારિક અનુભવ થયો છે તે પછી હું લોકોને ખાસ વિનંતી કરીશ કે ખાનગી હોસ્પિટલમાં ખોટા ખર્ચ કરવા નહિ, અહીં દર્દીઓનું 24 કલાક ધ્યાન રાખવામાં આવે છે. સ્ટાફ સતત અમારું ધ્યાન રાખે છે અને અમારો સમય પસાર થાય તે માટે મનગમતી પ્રવૃત્તિ કરવા હોસ્પિટલે રમત-ગમતની સાધન-સુવિધા ઉભી કરી આપી છે.
તો 60 વર્ષીય વડીલ કિરીટભાઈ વ્યાસ તેમનો અનુભવ કાવ્યના અંદાજમાં કહે છે કે, અહીં આવો, જોવો રાત કેવી હોય છે ને દિવસ કેવો હોય છે.., જાણે ઊંચા પહાડોમાંથી લઈ ધરતીના ગળા સુધી મહેકતું વાતાવરણ... અમારી બહેનો અને ભાઇઓ અમારી સેવા કરવા માટે સતત ઊભા છે. અહીંના સ્ટાફે મારી દવાનું સતત ધ્યાન રાખી મારી સારવાર કરવામાં કોઈ કચાશ નથી રાખી. હું દાખલ થયો ત્યારે બેસી પણ નહોતો શકતો તે આજે ખુલીને વાતચીત કરી શકું છું, તેમ નિખાલસ ભાવે કિરીટભાઈ જણાવે છે.
રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે વિવિધ પ્રવૃતિઓ જેવી કે, ચીત્રકામ, કેરમ, પુસ્તકો, મોટિવેશનલ ફિલ્મ અને ઘણું બધું ફ્રી ટાઈમમાં કરી શકાય તેવું આયોજન મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. હાલ અનેક દર્દીઓ રમતાં રમતાં કોરોનાથી મુક્ત થઈ રહ્યાનું રીક્રીએશન પ્રવૃત્તિના હેડ ડો. મોનાલી માંકડીયા જણાવે છે. ખાસ તો કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલના વાતાવરણમાં પ્રફુલ્લિત રહે તે માટે કોવીડ હોસ્પિટલમાં ખાસ રીક્રીએશન પ્રવૃત્તિ શરુ કરવાનો અમારુ મુખ્ય ધ્યેય હતું, જેની ખુબ સારી અસર જોવા મળી રહી છે.
તેમજ દર્દીઓની રસ-રુચિને અનુરૂપ વિવિધ ઇન્ડોર ગેમ્સ રમવા માટે કેરમ બોર્ડ, ચિત્રકામ કરવા માંગતા દર્દીઓ માટે ડ્રોઈંગ શીટ, કલર્સ, ધાર્મિક અને માહિતીસભર પુસ્તકો અને દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે હોલમાં એક મોટું ટીવી લગાડી તેમાં પ્રેરણાદાયી વીડિયો ક્લીપ બતાવવાની વ્યવસ્થા ઉભી કરી છે. અહીંનું વાતાવરણ હોસ્પિટલ નહિ, પણ કોઈ લાઇબ્રેરી કે મલ્ટી એક્ટિવિટી સેન્ટર હોય તેમ લાગતુ હોવાનુ ડો. મોનાલીએ જણાવ્યુ છે.
આ પ્રવૃત્તિ થકી દર્દીઓમાં કેવું પરિવર્તન જોવા મળ્યું છે ? તેના જવાબમાં ડો. મોનાલી જણાવે છે કે, પહેલા દર્દીઓ સતત સ્ટાફને પી.પી.ઈ. કીટમાં જોઈ ખુબ ગભરાઈ જતા. આખો દિવસ સતત અમને કંઈ થઈ જશે તેવા નકારાત્મક વિચારો કરતા. પરંતુ જ્યારથી તેમને પ્રવૃત્તિમય કર્યા છે, ત્યારથી તેઓ ખુબ પ્રસન્ન રહે છે. ગુજરાતી નાટકો, કોમેડી ફિલ્મ અને મોટિવેશનલ વિડીયો જોઈ દર્દીઓમાં હકારાત્મક અભિગમ અને ઉત્સાહ સાથે તેઓની તબિયતમાં ખાસ્સો સુધારો પણ જોવા મળી રહ્યો હોવાનું જણાવ્યુ છે.
કેટલાક દર્દીઓ વાંચી શકતા ન હોય તેમને અટેન્ડન્ટ કે સ્ટાફના અન્ય સભ્યો સમય અનુસાર પુસ્તકો વાંચી સંભળાવે છે. હાલ અલગ અલગ વોર્ડમાં 45 જેટલા પુસ્તકો મુકવામાં આવ્યા છે. માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત મેગેઝીન તેમજ અન્ય માર્ગદર્શક પુસ્તકો પણ દર્દીઓ વાંચી રહ્યા છે. કેટલાક દર્દીઓ દ્વારા તૈયાર કરાયેલા સુંદર ચિત્રોમાં માસ્ક સાથેના ઈમોજી, સ્માઈલી, મોર જેવા મનમોહક અને 'થેન્કયુ ડોક્ટર્સ'ના કલર પેન્ટિંગમાં દર્દીઓની કલા અને ભાવના ઉભરી આવે છે. આ વિવિધ પ્રવૃત્તિ શરુ થતાં દર્દીઓ તેમનો શોખ પૂરો કરે છે.
આ મલ્ટીપલ એક્ટિવિટીમાં હાલ તેમની સાથે ડો. ડેનિલ તેમજ વોર્ડના ફ્લોર મેનેજર, નીપા ડાભી અને અન્ય નર્સ બહેનો સહયોગ આપી રહ્યા છે. ટૂંક સમયમાં આ પ્રકારની પ્રવૃત્તિ અન્ય કોવિડ હોસ્પિટલ અને કેર સેન્ટર પર અમલી બનાવાશે, તેમ ડો. મોનાલી જણાવે છે