- આર્મીના નામે પેથોલોજિસ્ટ સાથે ઓનલાઈન ફ્રોડનું કૌભાંડ
- ફોન કરીને આર્મીના જવાનોના ટેસ્ટ કરાવવા માહિતી મેળવી
- UPI લિંક મોકલીને પૈસા મોકલવાની જગ્યાએ ઉપાડી લેતા હતા
રાજકોટ : કોરોના કાળમાં કેટલાંક લેભાગુ તત્વો દ્વારા રાજયભરમાં અનેક કૌભાંડો આચરવામાં આવી રહયા છે. ત્યારે દેશનાં અનેક રાજ્યોમાં પેથોલોજિસ્ટ સાથે ઓનલાઈન ફ્રોડના કિસ્સા સામે આવ્યા છે. પોતે આર્મીમાંથી બોલતા હોવાનું કહીને કેટલાક આર્મી જવાનોના કોરોના માટેના બ્લડ ટેસ્ટ માટે ટેલિફોનિક પૂછતાછ કર્યા બાદ ડીલ ફાઈનલ કરીને લેબોરેટરી સંચાલક કે તેના સ્ટાફ મેમ્બરના એકાઉન્ટમાંથી હજારો રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા. આ સાયબર ચીટિંગ છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહ્યું છે. રાજકોટ, ગાંધીધામ, આણંદ, વડોદરા, મહેસાણા સહિતના શહેરોમાં પેથોલોજિસ્ટો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે.
15થી 20 જવાનોને CRP, CBC, ડી-ડાઈમર વગેરે ટેસ્ટ કરવાના હોવાનું જણાવ્યું
પેથોલોજીસ્ટોને ફોન પર " અમે તમારા શહેર-જિલ્લાના સ્થળે ડ્યૂટી પર મૂકાયા છીએ અને 15-20 જવાનોને CRP, CBC, ડી-ડાઈમર વગેરે ટેસ્ટ કરવાના છે." એમ કહીને ઓનલાઈન ફ્રોડ કરવામાં આવતું હતું. ફોન-પે અથવા એમેઝોન-પે અથવા પેટીએમ UPI મારફતે જ પેમેન્ટનો આગ્રહ રાખીને એકાઉન્ટ ચેક કરાવવા 5-10 રૂપિયાની પરસ્પર આપ-લે પણ કરાવે છે. એ દરમિયાન મોબાઈલ પર લિન્ક મોકલતા રહીને ઝડપ રાખવાનું કહીને પાંચેક વખત લિન્ક ક્લિક કરી ઓકે કરાવતા રહીને પૈસા આપવાનું તો દૂર ઉલ્ટાનું જે બેલેન્સ હોય તે પણ ઉપાડી લેવામાં આવતું હતું.
રાજકોટ પેથોલોજીસ્ટ એસોસિએશને DCPને લેખિતમાં અરજી આપીને તપાસની માગ કરી
સમગ્ર મામલે એસો.ના પ્રમુખ ડો. રાજેન્દ્ર લાલાણીએ જણાવ્યું કે, ચીટરોએ કયાંકથી પેથોલોજિસ્ટ્સના નંબર વેચાતા મેળવી લીધાનું લાગે છે. મોટા ભાગના સિનિયર પેથોલોજિસ્ટ તો ઓનલાઈન પેમેન્ટ સીસ્ટમ વાપરતા નહીં હોવાથી કોઈ સ્ટાફ મેમ્બરને એ વિધિ સોંપી દેતા હોય છે, જેમાં સ્ટાફ મેમ્બરે પૈસા ગુમાવ્યાના કિસ્સા પણ બન્યા છે. રાજયના જુદા જુદા ઝોનના ડોકટરોના વોટ્સએપ ગૃપમાં રોજ મેસેજ મૂકતા રહીને એસોસીએશને સાવધ રહેવા તાકીદ કરી હતી. રાજકોટ પેથોલોજીસ્ટ એસોસિએશને DCPને આ અંગે લેખિતમાં અરજી આપીને સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવાની માગ કરી હતી.