ડુંગળીના ઉત્પાદનને વરસાદરૂપી ફટકાથી ડુંગળીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકારના પ્રધાને ડુંગળીની આયાત કરવાની કરેલી જાહેરાતને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોમાં ડુંગળીની અઢળક આવક જોવાં મળી રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીની આવક શરૂઆતથી જ ડુંગળીની અઢળક આવકથી હવે યાર્ડ ડુંગળીથી ઉભરાય જવા પામ્યું હતું.
ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં સવા લાખ કરતા વધું ડુંગળીની બોરીની આવક થઈ હતી. જે બદલ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેને કારણે માર્કેટ યાર્ડના સતાધીશોને યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક પાછળ ડુંગળીના ભાવમાં આગ ઝરતી તેજી અને બજાર ભાવમાં ઘટાડાની દહેશત જવાબદાર છે. ખેડૂતો વધુ પડતો કાચો-પાકો માલ યાર્ડમાં લઈને આવતા હોવાની વિગતો પણ સામે આવી છે. માર્કેટ યાર્ડમાં ડુંગળીનો બગાડ થતો હોવાથી યાર્ડ સતાધીશોએ ખેડૂતોને પોતાનો માલ ખેતરમાં પકાવીને લઈને આવવાની પણ અપીલ કરી હતી. બીજી તરફ વધુ પડતી ડુંગળીની આવકને ધ્યામાં લઈને યાર્ડ સતાધીશોએ બપોરના 3 વાગ્યા સુધી ડુંગળીની હરરાજી શરૂ રાખવાની ફરજ પડી હતી. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક વચ્ચે ડુંગળીની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1100 સુધીના બોલાયા હતા.