- રાજકોટમાં ભૂપત ભરવાનો આતંક
- વ્યાજખોરી અને જમીન ગેરકાયદેસર કરે છે કબજો
- સામાકાંઠા વિસ્તારમાંથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ભૂપત ભરવાડનું કાઢ્યું સરઘસ
રાજકોટઃ રાજ્યના DGP દ્વારા પોલીસ વિભાગને વ્યાજખોર અને ભુમાફિયાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરો અને ભૂમાફિયા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સાત દિવસ અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા ભૂપત વિરમ બાબુતર ઉર્ફ ભૂપત ભરવાડનું મંગળવારના રોજ રાજકોટના સામાકાંઠા વિસ્તારમાંથી સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેને સાથે રાખીને જ ઓફિસની પણ જડતી લેવામાં આવી હતી.
- ભૂપત ભરવાડ વિરુદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 ગુના નોંધ્યા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભૂપત ભરવાડને ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેની પૂછપરછ દરમિયાન અન્ય ગુના પણ આચર્યા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાદ એક એમ 3 ગંભીર ગુના ભૂપત ભરવાડ વિરુદ્ધ નોંધવામાં આવ્યા હતા. મુખ્યત્વે ગેરકાયદે વ્યાજે પૈસા આપવા, બળજબરી પૂર્વક જમીન પચાવી પાડવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવી સહિતની કલમ હેઠળ આ ગુનાઓ નોંધાયા છે. હજૂ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભૂપત વિરુદ્ધ તપાસ ચાલુ છે. જે દરમિયાન અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.
- પોલીસે સામાકાંઠા વિસ્તારમાં સરઘસ કાઢ્યું
ભૂપત ભરવાડને રાજકોટમાં માથાભારે માણસ માનવામાં આવે છે. આ સાથે જ તે પોતાની જાતને પોલીસ મિત્ર તરીકે ઓળખાવતો હતો. જેને લઈને રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં તેનો આતંક પણ સામે આવ્યો છે. ત્યારે મંગળવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ભૂપત ભરવાડનું સામાકાંઠા વિસ્તારમાં પાણીના ગોળા નજીક આવેલી તેની ઓફિસ પાસેથી સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ દરમિયાન વિસ્તારના માથાભારે શખ્સને જોઈને પોલીસની કામગીરીની પણ ભારે પ્રશંસા કરવામાં આવી હતી.
- ભૂપતની ઓફિસમાં તપાસ કરવામાં આવી
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસમાં ભૂપત વિરુદ્ધ જેટલા અલગ-અલગ ગુના નોંધ્યા હતા. ત્યારે તેની પૂછપરછ દરમિયાન ઓફિસમાં પણ દસ્તાવેજી પુરાવા પોલીસને હાથ લાગ્યા હતા. મંગળવારે તેને સાથે રાખીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓફિસની તપાસ કરવામાં આવી હતી અને પંચનામું પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભૂપત ભરવાડ સામે વર્ષ 2012માં ફરિયાદીને ગેરકાયદે વ્યાજૈ પેસા આપી બળજબરીથી રૂપિયા પડાવી અને જમીન પર કબજો કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.