- પ્રધાન બન્યા બાદ પહેલીવાર રાજકોટમાં આવ્યા અરવિંદ રૈયાણી
- શહેર ભાજપ અને સમર્થકો દ્વારા રૈયાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
- જન આશીર્વાદ યાત્રામાં અરવિંદ રૈયાણીએ ગીત ગાયું
રાજકોટઃ રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી (Rajkot MLA Arvind Raiyani) રાજ્ય કક્ષાના પ્રધાન બન્યા બાદ રાજકોટમાં પ્રથમ વખત આવ્યા હતા. ત્યારે તેઓએ રાજકોટમાં ગઇકાલે જ આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં શહેર ભાજપ (BJP)ના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓ ઉમટી પડ્યા હતા.
શહેર ભાજપ અને સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત
અરવિંદ રૈયાણીના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા. રાજ્ય સરકારમાં પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત અરવિંદ રૈયાણી રાજકોટ ખાતે આવતા તેમનું શહેર ભાજપ અને સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે આ જન આશીર્વાદ યાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનું જાહેરમાં ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.
યાત્રા દરમિયાન રૈયાણી હળવા મૂડમાં દેખાયા
જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાજ્યકક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેઓએ યાત્રા દરમિયાન જ માઈક લઈને ગીત પણ ગાયું હતું. તે સમયે તેમનો સાથ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીએ આપ્યો હતો. અરવિંદ રૈયાણીએ રાજકોટ ખાતેથી પ્રથમ વખત જ ધારાસભાની ચૂંટણી લડી હતી અને તેઓને રૂપાણી સરકારના રાજીનામા બાદ નવી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે, ત્યારે રૈયાણી પ્રધાન બન્યા બાદ પહેલીવાર રાજકોટ ખાતે આવ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
યાત્રા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનો ભંગ
અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રા રાજકોટના ગ્રીનલેંડ ચોકડી ખાતેથી શરૂ થઈ હતી. જે શહેરના અલગ-અલગ માર્ગો પર ફરી હતી. આ યાત્રામાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના મહાનગર પાલિકાના ભાજપના પદાધિકારીઓ જોડાયા હતા. રાજકોટ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જન આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો, પરંતુ જન આશીર્વાદ યાત્રા દરમિયાન શહેર ભાજપના નેતાઓ સહિતના લોકોએ કોરોનાની ગાઇડ લાઇનનો જાહેરમાં જ ભંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટ- અમદાવાદ સિક્સલેનના હાઈવેના બે કોન્ટ્રાક્ટરને ધીમા કામ માટે નોટિસ