- રવિવારે બપોરે રાજકોટમાં વરસાદ
- બફારા બાદ શહેરીજનોને મળી રાહત
- પ્રિ-મોન્સુન કામગીરી શરૂ
રાજકોટઃ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે 15 જુનથી દેશમાં ચોમાસું શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં રવિવારે બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. શહેરના ગોંડલ ચોકડી, મોવડી ચોકડી, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં બપોર બાદ ભારે વરસાદ આવતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. રાજકોટમાં છેલ્લા બે દિવસથી લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. તેવામાં આજે બપોર બાદ વરસાદ આવતા લોકોને પણ ગરમીમાંથી થોડી રાહત મળી હતી.
રાજકોટવાસીઓને મળી બફારામાંથી રાહત
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે બફારો જોવા મળી રહ્યો હતો. જેને લઇને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. તેવામાં રવિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ શહેરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ આવતાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે વરસાદ આવતા લોકોને પણ ભારે ગરમીમાંથી રાહતનો અનુભવ થયો હતો. રાજકોટના ગોંડલ રોડ, મવડી ચોકડી, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં આ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ આવતાની સાથે જ રસ્તાઓ પણ પાણી પાણી થઇ ગયા હતા.
આ પણ વાંચો : રાજકોટ મનપા દ્વારા વરસાદ અગાઉ પ્રિમોન્સૂનની કામગીરી શરૂ
15 દિવસ અગાઉથી જ પ્રિમોન્સૂન કામગીરી શરૂ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ મનપા પણ સતર્ક થયું હતું. તેમજ છેલ્લા 15 દિવસથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં પ્રિ-મોન્સુન ની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રોડ રસ્તાઓ કામ, વોકળા તેમજ ખાડાઓને બુરવામાં આવી રહ્યા છે. જ્યારે ભારે વરસાદ દરમિયાન વરસાદી પાણી કોઈ જગ્યાએ ભરાય નહીં તે માટેનો પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે જ શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલ જર્જરિત મકાનોને પણ નોટિસો પાઠવવામાં આવી છે. આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 15 દિવસ પહેલા જ શહેરમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : બોટાદ જિલ્લાના અનેક ગામમાં કરા સાથે વરસાદ પડ્યો