રાજકોટઃ ગુજરાતમાં લોકડાઉન ચારમાં રાજકોટને ઓરેન્જ ઝોનમાં સમાવવામાં આવ્યું છે. જેને લઈને શહેરમાં પણ નાગરિકોને થોડી છૂટછાટ આપવામાં આવી છે, જોકે શહેરમાં સાંજના 7 વાગ્યા બાદ હરવાફરવા પર પ્રતિબંધ છે. આ સાથે લોકડાઉન દરમિયાન બાઈક અથવા સ્કૂટર પર એક જ વ્યક્તિને સવારી કરવાની છૂટ આપવામાં આવી છે. આ તમામ બાબતોનો ચુસ્તપણે રાજકોટ પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે.
શહેરમાં પોલીસ દ્વારા માત્ર એક જ દિવસમાં 332 જેટલા વાહનોને ડિટેઈન કર્યા છે. રવિવારે સવારથી લઈને રાત્રીના 9 વાગ્યા સુધીમાં પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ચાર સેકટરમાંથી કુલ 332 જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. સેકટર એક માંથી 92, સેકટર બીજા માંથી 100, ત્રીજામાંથી 90 અને ચોથા સેકેટરમાંથી 50 એમ 332 વાહનો ડિટેઈન કરી કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં માત્ર કોરોના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારમાં જ 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અહીં પોલીસ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેલા લોકો પર સખ્ત નજર રાખવામાં આવી રહી છે. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં હાલ શહેરીજનો આરામથી હરિફરી શકે છે.