- રાજકોટના ડ્રગ્સ કેસમાં એક વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
- એક વર્ષ પહેલાં નોંધાયો હતો ગુનો
- રાજ્યમાં વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ
જામનગર : જામજોધપુરના જીણાવારી ગામ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકના NDPS ના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવાયો હતો. એકાદ વર્ષ પૂર્વેના ગુનામાં નાસતા-ફરતા આ આરોપીને જામજોધપુર પોલીસ મથક ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે જેને જરૂરી પ્રક્રિયાના અંતે રાજકોટ પોલીસને સોંપી દેવાશે.
બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી
જામનગર SOG ના PI એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ PSI આર.વી.વીંછી અને વી.કે.ગઢવીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પોલીસ ટીમને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા NDPS ના ગુનામાં ફરાર એક આરોપી જામજોધપુર નજીક જીણાવારી ગામ પાસે જંગલ ખાતાની રાવટી નજીક આંટા ફેરા કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા આરોપી પ્રવિણ ગોવિંદભાઇ કારેણાને પકડી પાડી પાડયો હતો.
જામજોધપુર પોલીસને સોંપવામાં આવ્યો આરોપી
પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે તેનો કબજો જામજોધપુર પોલીસ મથકને સુપરત કર્યો હતો. જેમાં તપાસમાં આ પકડાયેલો આરોપી એકાદ વર્ષ પુર્વે નોંધાયેલા NDPS ના ગુનામાં ફરાર હોવાનુ બહાર આવ્યુ હતુ.