રાજકોટ: ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા આજે રાજકોટની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા કૃષિ બિલ અંગેની સ્પષ્ટતા કરી હતી.
કૃષિ બિલ અંગે તેમણે જણાવ્યું હતું કે, કૃષિ બિલ આવવાના કારણે એકપણ એપીએમસી બંધ નહિ થાય અને ખેડૂતોને ટેકાના ભાવ પણ મળી રહેશે. આ સાથે જ આ બિલ આવવાના કારણે ખેતીક્ષેત્રે પણ તંદુરસ્ત હરીફાઈ જોવા મળશે.
કોંગ્રેસ પર આક્ષેપ કરતા તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્ર ખેડૂતોને ભોળવે છે અને માત્ર ભ્રમ ફેલાવી રહી છે. જ્યારે ચૂંટણીને લઈ તેમણે કહ્યું હતું કે, હજુ પેટાચૂંટણી જાહેર થઈ નથી. પરંતુ અમે બુથ લેવલની તૈયારીઓ કરી લીધી છે અને આગામી પેટાચૂંટણીમાં 8 બેઠકો પર ભાજપની જ જીત થશે. મોરબી બેઠક પરના જૂથવાદ અંગે કહ્યં કે જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓ હાથમાં તલવાર લઈને ચૂંટણી પડવા માટે તૈયાર થઈ જાય છે.