- ઉપલેટા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને આવી હતી 8-8 સીટ
- ચૂંટાઈ આવેલા 2 અપક્ષ ઉમેદવાર માંથી 1 ભાજપમાં તો 1 જોડાયા કોંગ્રેસમાં
- ભાજપ-કોંગ્રેસને થઈ એકસરખી બેઠકો
રાજકોટ: ઉપલેટાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. જેમાં ઉપલેટા તાલુકા પંચાયતમાં પરિણામના દિવસે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના 8-8 ઉમેદવારોની જીત થઇ હતી. બીજી તરફ અપક્ષના પણ 2 ઉમેદવારોની જીત થઇ હતી. જેમાં ગઈકાલે જ ઉપલેટા તાલુકા પંચાયતની ખારચિયા બેઠકના અપક્ષના સદસ્ય પ્રવિણાબેન પિયુષભાઇ હુંબલ ભાજપમાં જોડાયા હતા. ત્યારે શુક્રવારે ઉપલેટા તાલુકા પંચાયતની તલગણા બેઠકના અપક્ષમાંથી ચૂંટાઇ આવેલા કડવીબેન રામસીભાઈ વામરોટીયા કોંગ્રેસ સાથે જોડાયા હતા.
ભાજપ પાસે 1 બેઠકની સંખ્યા વધીને 9 થઇ હતી
ભાજપ પાસે 1 બેઠકની સંખ્યા વધીને 9 થઇ હતી. જયારે કોંગ્રેસની પાસે 8 બેઠકો હતી. ત્યારે આજે ઉપલેટા તાલુકા પંચાયતની તલગણા બેઠકના અપક્ષમાંથી ચૂંટાઇ આવેલા કડવીબેન રામસીભાઈ વામરોટીયાએ કોંગ્રેસ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ તકે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની હાજરીમાં કોંગ્રેસમાં ભળ્યા છે.
આ પણ વાંચો: મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ નેતા વચ્ચે મારામારી
વધુ 1 અપક્ષના સદસ્ય કોંગ્રેસમાં જોડાયા
તલગણા બેઠકના અપક્ષના સદસ્ય કોંગ્રેસમાં ભળતા કોંગ્રેસ પાસે પણ હાલ 9 બેઠકો કબજે થયેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાજપ પાસે બેઠકની સંખ્યામાં વધારો થયો હતો. ત્યારે આજે કોંગ્રેસ પાસે પણ બેઠક વધી છે કારણ કે, આજે વધુ 1 અપક્ષના સદસ્ય કોંગ્રેસમાં જોડાયા છે. જેથી હાલ કોંગ્રેસ પાસે પણ બેઠકમાં 1નો વધારો થયો છે. ઉપલેટા તાલુકા પંચાયતમાં હાલ ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે સમાન બેઠકો થઇ ગઈ છે.
આ પણ વાંચો: પારડીમાં યોજાઇ ખેડ સત્યાગ્રહ રેલી, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ એક જ મંચ પર મળ્યા જોવા
અપક્ષના સદસ્ય કોંગ્રેસમાં ભળતા ફરી એકવાર બંને પક્ષો પાસે સમાન સદસ્યો
ભૂતકાળમાં પરિણામના દિવસે તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પાસે 8-8 બેઠકો એટલે કે સમાન બેઠકો હતી. આ સાથે અપક્ષના 2 ઉમેદવારોની પણ જીત થઇ હતી. ઉપલેટામાં ગઈકાલે અપક્ષના 1 સદસ્ય ભાજપમાં ભળતા ભાજપ પાસે 9 બેઠક થઇ હતી. આજે વધુ 1 અપક્ષના સદસ્ય કોંગ્રેસમાં ભળતા ફરી એકવાર બંને પક્ષો પાસે સમાન સદસ્યો થઇ ચૂક્યા છે. ત્યારે આ સાથે જ આવનારા દિવસોમાં ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખનો તાજ કોના શીરે રહેશે તે અંગેની જોરશોરથી ચર્ચાઓ શરુ થઇ ચૂકી છે.