- હું છું રાજકોટ મનપાનો વૉર્ડ નંબર 18
- મારા વૉર્ડમાં છે 60 હજારથી વધુ મતદારો
- મારા વિસ્તારની મુખ્ય સમસ્યા - સફાઇ, ડ્રેનેજ, પીવાના પાણી અને રોડ રસ્તા
રાજકોટ : હું રાજકોટ શહેરનો 18 નંબરનો વૉર્ડ છું. આજે હું તમારી સાથે વાત કરવા ETV BHARATના માધ્યમથી હાજર થયો છું. તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે. ત્યારે ગત ટર્મમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા પોતાના વિસ્તારમાં કેવા પ્રકારના કામો કરવામાં આવ્યા છે. તેમજ હાલ મારા વૉર્ડની પરિસ્થિતિ શું છે?
મારા વૉર્ડમાં હાલ 60 હજારથી વધુ મતદારો છે
મારા વૉર્ડમાં કુલ 60,000થી વધુ મતદાર નોંધાયા છે. મારા વિસ્તારમાં વર્ષ 2015માં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને તમામ 4 બેઠક પર જીત મળી હતી. મારા વિસ્તારમાં ગત ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ધર્મિષ્ઠાબા જાડેજા, નયના જાદવ, નિલેશ મારુ અને જેન્તી બુટાણી ચૂંટાઇને વિજેતા થયા હતા. મારા વિસ્તારમાં 60,000થી વધુ મતદારો પૈકી સૌથી વધુ પાટીદાર સમાજના મતદારોનો સમાવેશ થાય છે. જે અંદાજીત 20,000 જેટલા મતદારો છે અને બાકી મતદારો અન્ય સમાજના વસવાટ કરી રહ્યા છે.
શું છે મારી મુખ્ય સમસ્યા
આ વિસ્તારમાં સફાઇ, ડ્રેનેજ, પીવાના પાણી અને રોડ રસ્તાના મુખ્ય પ્રશ્ન છે. જે પરિપૂર્ણ કરવા મારી જનતા નેતાઓ પાસે આશા રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત મનપાની ચૂંટણી સમયે મારા વૉર્ડમાં કોઠારીયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 5 વર્ષ દરમિયાન હજૂ પણ મારા વિસ્તારના મોટા ભાગના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.