- ગત ચૂંટણીમાં મારા આ વૉર્ડમાં ચારેય કોર્પોરેટરો ભાજપમાંથી ચુંટાયા હતાં
- આ વૉર્ડમાં અનેક સમસ્યાઓ
- આજી નદીમાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષથી અધુરો
રાજકોટઃ મહાનગરપાલીકાની ચુંટણીમાં આ વખતે સ્થાનિક મુદ્દાઓ પર જોર આપવામાં આવી રહ્યું છે. ત્યારે મારા વોર્ડ નંબર 6ની વાત કરીએ તો ગત ચુંટણીમાં મારા વૉર્ડમાં ચારેય કોર્પોરેટરો ભાજપમાંથી ચુંટાયા હતા. સ્થાનિકોએ ખોબલે-ખોબલે મત આપીને વિજય બનાવ્યાં હતા. મારા વૉર્ડમાં દલસુખ જાગાણી, મુકેશ રાદડીયા, દેવુબેન જાદવ અને સજુબેન કળોતરા(રબારી) ચુંટાયા હતા.
49 હજાર કરતા વધુ મતદારો
મારા વોર્ડ નંબર 6માં 49,398 કુલ મતદારો નોંધાયેલા છે. જેમાં પુરૂષ મતદારો 26,331 છે જ્યારે મહિલા મતદારો 23,200 છે. જ્ઞાતિગત સમિકરણોની વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદારો ભરવાડ, રબારી અને વોરા સમાજનાં છે. જોકે, મારા આ વિસ્તારમાં પાટીદાર મતદારોનો પણ સમાવેશ થાય છે.
આ છે મુખ્ય સમસ્યાઓ
મારા વૉર્ડમાં સૌથી મોટો પ્રશ્ન છે આજીનદીનાં બેઠા પુલનો, આજીનદીનો બેઠા પુલની મરામત કરવા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં હજી તેનો ઉકેલ આવ્યો નથી. આજીનદીમાં રીવરફ્રન્ટનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષથી અધુરો છે. હાલ આજીનદીમાંથી ગટરનાં પાણી વહી રહ્યા છે. રીવરફ્રન્ટનું કામ કાગળ પર જ થઇ રહ્યું છે, તેમજ સફાઇ નિયમિત થતી નથી જેને કારણે મારા આ વોર્ડ નંબર 6માં ઠેર-ઠેર ગંદકીનાં ગંજ જોવા મળી રહ્યા છે.