રાજકોટઃ શહેરની પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે વિભાગીય નાયબ નિયામક ડૉ. રૂપાલી મહેતા, ડીન ડૉ. ગૌરવી ધૃવ, ડૉ. મનીષ મહેતા વગેરેની ટીમ પાસેથી આરોગ્ય સચિવ જયંતી રવિએ રાજકોટ જિલ્લાની કોરોના સંબંધી સ્થિતિ વિશે માહિતી મેળવી હતી.
આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ આગામી બે દિવસમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ વધારવા તબીબી સ્ટાફને સૂચના આપી હતી. સચિવે મેડિકલ કોલેજના તાલીમી છાત્રોને કોરોના સંબંધી સારવારમાં વધુને વધુ સામેલ કરવા અને તેમને ફ્રન્ટલાઇન વોરિયરની ભૂમિકા અદા કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.
- આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ 13 જુલાઇએ જામનગરની મુલાકાત લીધી હતી
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજી હતી બેઠક
વાંચોઃ જામનગરમાં કોરોનાને લઇ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ બેઠક યોજી
હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડ-19ના દર્દીઓને માનસિક સારવાર આપવા, તે માટે જરૂરી વાતાવરણ પૂરૂં પાડવા, ક્રિટિકલ કેર વિભાગને વધુ કાર્યક્ષમ બનાવવા, શુગર અને બી.પી.ના પેશન્ટસની સારવારને પ્રાધાન્ય આપી મુત્યુ દર ઘટાડવા અને કાર્ડિયાક અને ઇન્ટેન્સીવ કેરના કેસો પર પૂરતું ધ્યાન આપવા વિષે જયંતી રવિએ ઉપસ્થિત ડૉક્ટર્સ સાથે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત હૉસ્પિટલ ખાતે ઉપલબ્ધ દવાનો જથ્થા, સારવારના તમામ સાધનો અને ઉપયોગી સામગ્રી પૂરતા પ્રમાણમાં હાથવગી હોવા વિશે પણ તેમણે તબક્કાવાર સૂચના આપી સમગ્ર તબીબી વ્યવસ્થા સુચારૂપણે જળવાઇ રહે તે અંગે ટોચની અગ્રતા આપવાની હિમાયત કરી હતી. કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અંગે તેમણે સંતોષ વ્યકત કર્યો હતો. કોરોના અંગે જનજાગૃતી કેળવવાના પગલાં સત્વરે લેવા વિષે પણ તેમણે ખાસ સૂચના આપી હતી.