- કમોસમી વરસાદથી રાજકોટ યાર્ડમાં 1 લાખની મગફળીની ગુણીઓને અસર
- કપાસના માલને પણ પહોંચ્યું નુકસાન
રાજકોટઃ હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ધીમીધારે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જેને લઇને રાજકોટના મોરબી રોડ ખાતે આવેલા બેડી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી રૂ.1 લાખથી વધુની મગફળીની ગુણીઓને નુકસાન થયું છે. જેને લઈને યાર્ડના વેપારીઓ અને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જ્યારે યાર્ડ ખાતે કપાસ લઈને આવેલા ખેડૂતોનો માલ પણ આ ધીમીધારે વરસાદમાં પલળી ગયો હતો. ખેડૂતો પોતાનો માલ વરસાદમાં પલળી જવાના કારણે ઓછા ભાવ આવશે તેવી ચિંતામાં મુકાયા છે.
કપાસ લઈને આવેલા ખેડૂતોના માલને પણ નુકસાન
હાલ મગફળીની સાથે કપાસની પણ ખુલ્લી બજારમાં યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિતના આસપાસના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ લઈને આવ્યા હતા પરંતુ વરસાદ આવવાના કારણે કપાસને પણ મોટું નુકસાન થવાની પણ ભિતિ જણાઈ આવી હતી. ઉલ્લેખનીય છે કે યાર્ડ દ્વારા હાલ નવા શેડની નિર્માણની કામગીરી શરૂ છે પરંતુ જ્યારે કપાસ અને મગફળી ખુલ્લામાં હોવાથી કમોસમી વરસાદના કારણે બન્નેમાં નુકસાની વધુ પ્રમાણમાં થઈ છે.