રાજ્યમાં સરકાર હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે. ત્યારે રાજકોટના જૂના યાર્ડ ખાતે પણ મગફળીની ટેકા ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ આ ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદીમાં એક કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતોનો માલ મગફળીમાં ધૂળ અથવા ભેજનું પ્રમાણ વધારે છે, તેમ કહી મગફળીનું સેમ્પલ રિજેક્ટ કરવામાં આવતું હતું. ત્યારબાદ તંત્રના અધિકારીઓની સાંઠગાંઠથી એક વચેટિયો જે ખેડૂતની મગફળીનું સેમ્પલ રિજેક્ટ થયું હોય તેમની સાથે સંપર્ક કરી 2500 રૂપિયા લઈને ફરી અધિકારીઓ પાસે તેમની મગફળીનું સેમ્પલ પાસ કરાવી આપતો હતો.
આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. તેમજ આ મામલે તપાસ કરવામાં આવી હતી. જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે અમીત પટેલ નામના વચેટિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ સમગ્ર કૌભાંડ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.