- પંજાબના કેબિનેટ પ્રધાન રાજકોટમાં
- કેબિનેટ પ્રધાન મનપ્રીત સિંઘ બાદલે મોદી સરકારને ઘેરી
- અદાણી પોર્ટ ડ્રગ્સ મામલાથી લઇને એમેઝોન લાંચના મુદ્દા ઉઠાવ્યા
રાજકોટઃ પંજાબના વરિષ્ઠ કેબિનેટ પ્રધાન અને નાણા પ્રધાન મનપ્રીતસિંઘ (Cabinet Minister and Finance Minister Manpreet Singh Badal) બાદલે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે દેશમાં ભ્રષ્ટાચાર, રોજગારી ઉ૫૨ મા૨, નશાની ભ૨મા૨ સહિતના મુદ્દાઓ ઉઠાવતા કહ્યું કે, દેશના ભવિષ્યની સોપારી મોદી સરકાર (Modi Government) લઈ રહી છે. તેમણે કહ્યું કે, મોદી સ૨કા૨નું નિશાન અને દિશા સ્પષ્ટ છે, જેમાં તેઓ દેશની સંપતિ વેચવી, દુકાનદારો અને નાના કારખાનાવાળાઓના ધંધાનો વિધ્વંશ ક૨વો, તેમજ જે બચી જશે તેઓ મોટી કંપનીને પોતાનો ધંધો સોંપી દેશે, જ્યારે યુવાઓને નશામાં ધકેલી દેવા એ તેમનો એજન્ડા છે. ખાઈશું –ખવડાવીશું અને લુંટાવીશું, આ મોડલ પર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે.
એમેઝોને રૂ. 854,6 કરોડની લાંચ કોને અને કેમ આપી?
પંજાબના પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, એમેઝોન ઈ-કોમર્સ કંપનીએ 854.6 કરોડ રૂ.ની લાંચ કોને અને કેમ આપી? છેલ્લા એક વર્ષમાં 14 કરોડ નોકરીઓનો અંત આવ્યો છે. દુકાનદાર, નાના ઉદ્યોગકારો , MSME, યુવાનો, બધાના ધંધાનો નાશ થયો છે. આ બધાની રોજગારી જવાનું કારણ હવે સ્પષ્ટ છે. એમેઝોન કંપનીએ છેલ્લા 2 વર્ષમાં ભારતમાં કાનુની ખર્ચ માટે 854.6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ દેશના કાયદા મંત્રાલયનું બજેટ 1,100 કરોડ છે અને સામે 854.6 કરોડ રૂપિયા આપ્યા જે દર્શાવે છે કે એમેઝોન કંપની ભ્રષ્ટાચારના ભાગરૂપે ભારતમાં રૂપિયા વહાવી રહી છે.
કેન્દ્ર સરકાર આ સવાલોના જવાબ આપે?
તેમણે એક પછી એક અનેક પ્રશ્નો ઉઠાવતા કેન્દ્ર સરકાર પાસે જવાબની માંગ કરી. તેમણે કહ્યું કે, એમેઝોન કંપની દ્વારા 854.6 કરોડ ભારતમાં કયા અધિકારી અને રાજનેતાઓને આપવામાં આવ્યા? નાના દુકાનદારો અને નાના વેપારીઓની દુકાનો બંધ થાય તે પ્રકારે કાયદામાં સુધારો કરી ઈ-કોમર્સ કંપનીઓને લાભ આપવામાં નથી આવ્યો ને? અમેરિકા અને ભારત જેવા દેશોમાં વેપારના સંદર્ભમાં કરવામાં આવતું લોબિંગ ગુનો છે. આમ છતાં આવડી મોટી રકમની આપ-લે કેવી રીતે થઈ? આ રીતે 854.5 કરોડ વિદેશી કંપની દ્વારા લાંચ સ્વરૂપે આપવામાં આવે તો એ રાષ્ટ્રની સુરક્ષા સાથે ૨મત અને સમજૂતી છે કે નહીં? વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂપ કેમ છે? શું એ અમેરિકાના રાષ્ટ્રપતિને એમેઝોન કંપનીની સામે લાંચના-ગોટાળાની ફરિયાદ દાખલ કરીને તપાસની માંગ કરશે કે કેમ?
1 લાખ 75 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ક્યાં જતું રહ્યું?
મનપ્રીત સિંઘ બાદલે વધુમાં પૂછ્યું કે, શું આટલા મોટા ગોટાળાની તપાસ સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ પાસે ન કરાવવી જોઈએ? હાલમાં જે લોકોને પૈસા મળ્યા છે તે લોકો જ આની તપાસ કરે તે કેટલું યોગ્ય છે? બીજો મહત્વનો મુદ્દો છે ડ્રગ્સ, દુનિયાનો સૌથી મોટો ડ્રગનો ખુલાસો હાલમાં જ સામે આવ્યો. 1 લાખ 75 હજાર કરોડ રૂપિયાનું 25 હજાર કિલો ડ્રગ્સ ક્યાં જતું રહ્યું? અદાણી પોર્ટ ઉપર 3 હજાર કિલો હેરોઈન જેની કિંમત 21 હજાર કરોડ રૂપિયા થાય છે તે પકડાયા બાદ હવે દુનિયાનું સૌથી મોટું હેરોઈન ડ્રગ્સ ૫કડાયું. અદાણી પોર્ટ પરથી ગુજરાતમાં જુન-2021માં 25 ટન હેરોઈન ડ્રગ્સ સેમિકટ ટેલકમ પાઉડર બોકસના નામથી આવ્યું. તે પણ આંધ્રપ્રદેશની કોઈ કંપનીના નામથી આવ્યું. આ ડ્રગ્સની કિંમત 1 લાખ 75 હજાર કરોડ રૂ. થાય છે.
સરકારની દેખરેખ હેઠળ ડ્રગ માફીયા સમગ્ર કૌભાંડ આચરી રહ્યા છે?
આ માત્ર ડ્રગ્સ પકડાયું છે એટલું જ નહીં, પરંતુ ભારતના નવજવાનોને નશાની આગમાં ધકેલી દેવા માટે જાણે સરકાર પરવાનો આપ્યો હોય તેમ જુલાઈ 2021માં દિલ્હી પોલીસે 2500 કરોડ રૂપિયાનું 354 કિલો હેરોઈન પકડ્યું હતું. મે મહિનામાં 125 કિલો હેરોઈન પકડાયું. આનો અર્થ એ થાય કે દેશમાં એક મોટી ડ્રગ્સ લોબી આ સરકારની હુંફમાં ફલીફુલી રહી છે. પ્રશ્ન એ છે કે આ દેશમાં એવા કયા મગરમચ્છ છે જે 21000 કરોડ રૂપિયા અને 1 લાખ 75 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ કન્ટેન્ટમેન્ટ મંગાવે છે. જેના નામથી આ માલ મંગાવવામાં આવે છે તેઓ નાના-મોટા કમિશન એજન્ટ છે, પરંતુ હકીકતે સરકારની દેખરેખ હેઠળ ડ્રગ માફીયા સમગ્ર કૌભાંડ આચરી રહ્યા છે.
PM મોદી આ પ્રશ્નોના જવાબ આપશે?
1 લાખ 75 હજા૨ કરોડ રૂપિયાનું 2,500 કિલો હેરોઈન ક્યા ગયું? નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, DRI, ED, CBI, IB આ બધા શું કરી રહ્યા છે? કે પછી આ બધાને મોદી વિરોધ પક્ષના લોકો સામે બદલો લેવા માટે કામ આપી અન્ય કામ માટે સમય આપતા નથી? શું દેશના યુવાનોને નશામાં ધકેલવા માટેનું આ ષડયંત્ર તો નથી ને? આ ડ્રગ્સ તાલિબાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલું હોય તેવું છે. ડ્રગ્સ માફિયાઓને સ૨કારમાં બેઠેલા નેતાઓ અને સરકારી એજન્સીઓ સંરક્ષણ આપવાનું કામ તો નથી કરતી ને? અદાણી મુન્દ્રા પોર્ટની કોઈ તપાસ કેમ કરવામાં આવતી નથી? પ્રધાનમંત્રી અને સરકાર દેશની સુરક્ષામાં નિષ્ફળ તો નથી ને ? શું આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ પાસે તપાસડાવો જોઈએ નહીં?
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે રાજકોટ કોંગ્રેસનો વિરોધ, પોલીસે 10 લોકોની કરી અટક
આ પણ વાંચો: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો : 14 માંથી 12 બેઠક પર કબ્જો