ગોંડલના ભોજરાજપરા કુંભારવાડા પાસે આવેલા બર્મા સેલ કંપનીની જમીન 33 વર્ષ પહેલા ખોટા દસ્તાવેજો રજૂ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ગોંડલ અદાલતે નિવૃત્ત ચીફ ઓફિસર, બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ તેમજ અન્ય એક શખ્સને એક-એક વર્ષની સજા ફટકારી હતી.
33 વર્ષ પહેલા નગરપાલિકાના ચીફ ઓફિસર ડી. પી. તેરૈયા, બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ જીવનલાલ ભીમજીભાઇ કાલરીયા અને બળદેવસિંહ વિજયસિંહ ઝાલા દ્વારા શહેરના ભોજરાજપરા પાસે આવેલ બર્મા સેલ કંપનીની કિંમતી જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અંગેનો કેસ ગોંડલ એડીશનલ ચીફ જસ્ટિસ નયનાબેન આર. પંડિત સમક્ષ ચાલી રહ્યો હતો. આ કેસમાં અદાલતે કુલ સાત આરોપીઓ માંથી 2 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમજ અન્ય બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, જ્યારે બાકી રહેલા ઉપરોક્ત ત્રણેય આરોપીઓ IPC કલમ 419, 420, 460, 471 તેમજ 120 (બી) હેઠળ ગુનેગાર સાબિત થતા તેમને ગોંડલ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી.