રાજકોટ: રાજકોટના જેતપુરનો ઈતિહાસ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલો છે. 2જી ઓકટોબરના રોજ સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જેતપુરના ઈતિહાસવિદ જીતુભાઇ ધાંધલે દુર્લભ તસ્વીર શેર કરી છે, તેમજ ગાંધીજીએ 1915માં કરેલી જેતપુરની મુલાકાતની સ્મૃતિ પણ તાજી કરી છે.
દુનિયાભરમાં સાડીના ઉદ્યોગથી ખ્યાતિ મેળવનારા જેતપુર શહેરનો ઈતિહાસ ગાંધીજી સાથે પણ જોડાયેલો છે. આ વાત કદાચ આજની પેઢીને ખબર નહીં હોય. હાલ જેતપુરનું નવાગઢ તે સમયનું દિલાવરગઢ હતું, ત્યાં મહાત્મા ગાંધી આઝાદી પૂર્વે કસ્તુરબા અને તેના અંગત સાથીઓ સાથે ઉતર્યા હતા, તેમજ જેતપુરના મહેમાન બન્યા હતા.
જૂનાગઢના નવાબના તાબા હેઠળનું દિલાવરગઢ ગામ એટલે હાલનું નવાગઢ જ્યાં બાપુ ત્યાંના રેલવે સ્ટેશને ઉતર્યા હતા. તે સમયની રજવાડાની વાત કરીએ તો રબારીકા, મંડલીકપુર, ઝાલાનસર, માખીયાળા, રાજગોરવાળી, વાવડી, ખજૂરી ગુંદાળા, વાડાસડા, મોણપર, સેલુકા, પાંચ પીપળા, લુણાગરી, પ્રેમગઢ અને પેઢલા દિલાવરગઢના તાબામાં આવતા હતા. આ પ્રસંગની રસપ્રદ વાત કરતા જેતપુરના જાણીતા ઇતિહાસવિદ અને 'એક હતો ભુપત' પુસ્તકના લેખક જીતુભાઇ ધાંધલ જણાવે છે કે, જ્યારે મોહનદાસ ગાંધી આફ્રિકાની લડત પુરી કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે મુંબઈ રેલવે માર્ગે કાઠિયાવાડ આવ્યા હતા. 21 જાન્યુઆરી 1915ના દિવસે મહાત્મા ગાંધી, કસ્તુરબા ગાંધી અને બેરિસ્ટર શુક્લ એટલે કે દલપતરામ ભગવાનજી વગેરે દિલાવરગઢ રેલવે સ્ટેશને ઉતર્યા હતા.
ગાંધી પરિવારના સ્વાગતમાં જેતપુરના રાજવી શ્રી મુળુવાળા સુરીગવાળા (C.I.E),સ્વછતાના હિમાયતી જેતપુરના ડો. દિનશા બરજોરજી, દેવચંદ પારેખ સહિત મોટી સંખ્યામાં નાગરિકો આવ્યા હતા. જેતપુરના દેવચંદભાઈના પિતા ઓતમચંદ કામદારની મેડીવાળા સ્થળે ગાંધીજી, કસ્તુરબા, બેરિસ્ટર શુક્લ અને સાથીઓ સાથે રાત્રી રોકાણ કર્યું હતું. હાલનું લાદી રોડ પર આવેલુ સંત કંવરરામ મંદિર તે સમયની ઓતમચંદ કામદારની મેડી તરીકે ઓળખાતી હતી, જ્યાં ગાંધીજીએ રાત વાસો કર્યો હતો. જેતપુર વાસીઓ આ ઐતિહાસિક સ્થળ પાસેથી હજારો વાર પસાર થયા હશે પણ તેના ઇતિહાસથી અજાણ હશે. આ લોકોને કદાચ સપને પણ ખ્યાલ નહિ હોય કે, આ તે જ જગ્યા છે જ્યાં ગાંધીજીએ રાતવાસો કર્યો હતો.