રાજકોટઃ રાજકોટમાં કોરોના વાઈરસના કારણે પ્રથમ મોત થયું છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કોઇ પણ દર્દીનું કોરોનાના કારણે મોત થયું નહોતું. પરંતુ આજે એક 60 વર્ષના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયા બાદ રાજકોટ માટે ચિંતા વધી છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મોમીનબેન નામના વૃદ્ધાનો 20 એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. જ્યારે આજે બપોરે તેમની તબિયત વધુ બગડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
જો કે, વેન્ટિલેટર પર પણ તેમની તબિયતમાં સુધારો ન થતા તેઓ કોરોના સામેની લડાઈમાં હારી ગયા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ વૃદ્ધાના મોત સાથે જ રાજકોટમાં પ્રથમ મોત નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં 59 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 15 જેટલા દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે આજે કોરોનાના કારણે પ્રથમ દર્દીનું મોત નોંધાયું છે.