- ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ સ્ટાફને તાલીમ આપવાનું શરૂ કરાયું
- રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગ્યું
- ફાયર સેફ્ટીના સાધનોનું આપ્યું માર્ગદર્શન
રાજકોટ : શહેરના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાને કારણે 5 દર્દીઓના મોત થયા હતા. જેને લઇને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. જ્યારે આગામી દિવસોમાં રાજકોટમાં કોઇ અન્ય હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ સ્ટાફના કર્મચારીઓને ફાયર સેફ્ટીના સાધનોની ઓળખ તેમજ તેનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ આપવાની તાલીમ મંગળવારના રોજથી મોરબી રોડ ખાતે આવેલા સેન્ટર પર શરૂ કરવામાં આવી છે.
![રાજકોટ અગ્નિકાંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-09-rmc-fire-av-7202740_01122020214426_0112f_1606839266_573.jpg)
પ્રથમ દિવસે 24 ખાનગી હોસ્પિટલના કર્મચારીઓએ ભાગ લીધો
રાજકોટના મોરબી રોડ ખાતે આવેલા ઇમર્જન્સી રેપિડ સેન્ટર ખાતે મનપા દ્વારા ફાયર સેફ્ટીના સાધનોનું તાલીમ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જે મંગળવારથી શરૂ થયું છે. જેમાં પ્રથમ દિવસે જ રાજકોટની અલગ-અલગ 24 ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ તેમને ફાયર સેફ્ટીના સાધનો કેવી રીતે ઉપયોગમાં લેવા તેની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
![રાજકોટ અગ્નિકાંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-09-rmc-fire-av-7202740_01122020214426_0112f_1606839266_560.jpg)
હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોના માર્ગદર્શનનો અભાવ
રાજકોટમાં હોસ્પિટલની આગ લાગવાની ઘટના બાદ સામે આવ્યું હતું કે, ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો હતા, પરંતુ તેનો ઉપયોગ કરતા આવડતું ન હોવાને કારણે વધુ પ્રમાણમાં ફેલાઈ હતી. જેને લઇને મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં શહેરની વિવિધ હોસ્પિટલના કર્મચારીઓને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો અંગેનું માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવામાં આવશે. જેને લઇને રાજકોટમાં ફાયર સેફ્ટીને લઈને તાલીમ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું હતું.
![રાજકોટ અગ્નિકાંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-09-rmc-fire-av-7202740_01122020214426_0112f_1606839266_576.jpg)