- ટ્રોમાં સેન્ટરના 5માં માળે અચાનક આગ લાગી હતી
- તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી
- આગ લાગવાની ઘટના સામે આવતા જ હાહાકાર મચી ગયો હતો
રાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમાં સેન્ટરના 5માં માળે અચાનક આગ લાગી હતી. જેને લઈને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે આ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ફરી આગ લાગવાની ઘટના સામે આવતા જ હાહાકાર મચી ગયો હતો.
સિવિલ હોસ્પિટલમાં લાગી આગ
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે અચાનક બપોરના સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમા કેર સેન્ટર બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડીંગના 5માં માળે છજા પર રહેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. જોકે આ આગ મામલે સતર્કતાના કારણે તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગતા જ દર્દીઓના જીવ થોડીવાર માટે તાળવે ચોટી ગયા હતા અને બનાવની જગ્યાએ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.