રાજકોટઃ રાજકોટઃ કોરોના વાઇરસની મહામારીના સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તાર સિવાયના વોર્ડમાં આરોગ્ય શાખાની 33 ટીમ દ્વારા ડોર ટુ ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચેકિંગ કરવામાં આવશે. આ ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે.
મનપાની આરોગ્ય શાખા દ્વારા જંગલેશ્વર વિસ્તાર સિવાય શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 66 મેમ્બરોની 33 ટીમો દ્વારા એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી શરુ કરવામાં આવેલ છે. જેમાં 5 સુપરવાઇઝર પણ સાથે રહેશે. આ ટીમો દ્વારા શહેરમાં ડોર ટુ ડોર જઈ કોરોના વાઈરસના લક્ષણો અંગે તપાસ કરવામાં આવે છે. જેમાં ઉધરસ, તાવ અને શરદીની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાશે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા હોસ્પિટલમાં રિફર કરી રિપોર્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 42 છે. જેમાં એક રાજકોટ ગ્રામ્યના પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં એક પણ દર્દીનું કોરોનાના કારણે મોત નીપજ્યું નથી. 42માંથી 9 દર્દીઓને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા હવે શહેરના હોટ સ્પોટ જંગલેશ્વર વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ ડોર ટુ ડોર જઈને લોકોના આરોગ્ય અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે.