રાજકોટ: હાલ એરપોર્ટ નિર્માણનું કામ જોરશોરથી શરૂ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા અંદાજીત 2700 એકર જમીન એરપોર્ટ ઓથોરિટીને ફાળવવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ખેડૂતોની જમીન પણ આવે છે. તંત્ર દ્વારા સોંપવામાં આવેલી મોટાભાગની જમીન સરકારી હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે 10થી 15 ખેડૂતોની જમીન એરપોર્ટ બનાવવા માટે સંપાદન કરવામાં આવી છે.
એરપોર્ટ ઓથોરિટીને જમીન સોંપ્યા બાદ અહીં ચેકડેમના કારણે પણ કામ અટક્યું હતું. જેને લઈને રાજકોટ વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી અને સિંચાઈ વિભાગ સાથે બેઠક યોજી હતી અને અંતે મામલો શાંત પડતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટના નિર્માણ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જો કે, ત્યારબાદ એરપોર્ટ નિર્માણનું કામ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાને મળ્યું હતું. પરંતુ આ કંપની દ્વારા સમયસર જરૂર રકમ ન ભરતા તેનો કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવ્યો હતો. જેને લઈને પણ એરપોર્ટ નિર્માણની કામગીરીમાં વિલંબ થયો હતો.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફરી રાજકોટમાં એરપોર્ટ નિર્માણ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવી પડી હતી. જેને લઈને રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ તૈયાર કરવાનું કામ ભોપાલની દિલીપ બિલ્ડકોનને સોપવામાં આવ્યો હતો. આ કંપની દ્વારા આગામી 30 મહિનામાં રૂ.570 કરોડના ખર્ચે એરપોર્ટનું કામ કરી આપવામાં આવશે. ત્યારે આ કંપનીએ હાલ હીરાસર ખાતે સાઈડ ઑફીસ ઉભી કરી છે. તેમજ એરપોર્ટના નિર્માણનું કામ જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે.
ETV BHARATએ જ્યારે ગ્રાઉન્ડ પરની મુલાકાત લીધી ત્યારે સામે આવ્યું હતું કે, હાલ અહીં બાઉન્ડ્રીનું કામ શરૂ કરાયું છે. સાથે-સાથે જમીનને પણ સમથળ બનવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે રન વે પણ બનાવાનું કામ શરૂ કરવામા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટએ સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર ગણાય છે અને અહીં આગામી દિવસોમાં એઈમ્સ હોસ્પિટલ પણ બનવાની છે. ત્યારે હવે ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ આગામી દિવસોમાં તૈયાર થઈ જશે. જેનો સીધો જ લાભ સૌરાષ્ટ્રભરના લોકોને થશે.
રાજકોટથી ભાવેશ સોંદરવાનો વિશેષ અહેવાલ...