આત્મનિર્ભર લોન અને વીજ બિલ મામલે સૌરભ પટેલની યોજાઇ પત્રકાર પરિષદ
પ્રોપર્ટી ટેકસમાં વાણિજ્યિક એકમોને 20 ટકાની રાહત
- રહેણાક મિલકતોના પ્રોપર્ટી ટેકસમાં 10 ટકાની રાહત
- માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશના બિલમાં 100 યુનિટની માફી
- હાઈ ટ્રાન્સમિશન ગ્રાહકોને ફિક્સ ચાર્જીસમાં વગર વ્યાજે રકમ ચૂકવવાની છૂટ
- કેબ સહીત વિવિધ વાહન ટેક્ષ ભરવામાં માફી સહીત અનેક સહાયો મંજૂર
રાજકોટઃ ઉર્જા પ્રધાન સૌરભ પટેલે આત્મનિર્ભર લોન અને વીજ બિલ મામલે રાજકોટમાં શનિવારે પત્રકાર પરિષદ યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર દેશની પહેલને ગુજરાતે એક ખાસ મુહિમ તરીકે લઈ તે દિશામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બને તે માટે અનેકવિધ પગલાંઓ તાકાલિક લીધા હોવાનું શનિવારે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું.
સૌરભ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત MSME એકમો માટે 1,63,030 અરજીઓ આવી છે. જેમાંથી 1,62,245 અરજીઓ મંજૂર થઈ ગઇ છે. અત્યાર સુધીમાં કુલ 67,609 એકમોને રૂપિયા 8,88,607 લાખની લોન મંજૂર કરી આપવામાં આવી છે. જે પૈકી 5,25,868 લાખની લોન વિતરિત થઈ ગઇ છે અને આ ઉદ્યોગ ગૃહોમાં પ્રોડક્શન શરુ થઈ ચૂક્યું છે, જે આત્મનિર્ભર ગુજરાતની દિશા સૂચવે છે.
સૌરભ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે, લોન મંજૂર કરવાની બાબતમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમ તેમજ લોન વિતરિત કરવાની બાબતમાં ત્રીજો ક્રમ ધરાવે છે. આત્મનિર્ભર નીતિનો લાભ ગુજરાતના અંદાજિત 8 લાખથી વધુ ઔદ્યોગિક એકમોને મળશે. આ ઉપરાંત ગૃહ, કુટિર ઉદ્યોગો અને સેવાકીય એકમોનો સમાવેશ કરતા 30 લાખથી વધુ એકમો લાભાન્વિત બનતા આ ક્ષેત્રે મોટાપાયે રોજગારી પણ ઉભી થશે.
ઉલ્લેખનીય છે કે આત્મનિર્ભર નીતિ 12 મે 2020ના રોજ વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવી હતી. જે MSME ઉદ્યોગોને ગતિ પુરી પાડવા તેમજ કેશ ફ્લો, રોજગારી તેમજ કામગીરી અવિરત પણે જાળવવા માટે બજારમાં વિવિધ પ્રત્યક્ષ અને પરોક્ષ નાણાકીય નિવેશના રૂપમાં ટેકો આપવા માટે છે. આ ઉપરાંત ઉર્જાપ્રધાને હાલની લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સહાય પુરી પાડી છે. જે પૈકી નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગકારોને લોકોને મદદરૂપ થવા વીજબિલમાં પણ સહાય આપવામાં આવી છે. આ અન્વયે 16.29 લાખ નાના ઉદ્યોગકારોને રૂપિયા 110 કરોડની સહાય તેમજ મોટા વીજ કનેક્શન ધરાવતા 16,271 એકમોને રૂપિયા 350 કરોડની આર્થિક મદદ મળી હોવાનું અને કુલ 16.45 લાખ એકમોને રૂપિયા 460 કરોડની વીજબિલમાં રાહત આપી હોવાનું પટેલે ઉમેર્યું હતું.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘ગુજરાત આત્મનિર્ભર પેકેજ‘ અંતર્ગત પ્રોપર્ટી ટેકસમાં વાણિજિયક એકમોને 20 ટકાની રાહત, રહેણાક મિલકતોના પ્રોપર્ટી ટેકસમાં 10 ટકાની રાહત, માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશના બિલમાં 100 યુનિટની માફી, વીજ કરમા ઘટાડો, હાઈ ટ્રાન્સમિશન ગ્રાહકોને ફિક્સ ચાર્જીસમાં વગર વ્યાજે રકમ ચૂકવવાની છૂટ, કેબ સહીત વિવિધ વાહન ટેક્ષ ભરવામાં માફી સહીત અનેક સહાયો મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ઉદ્યોગ વ્યવસાયો માટે વિવિધ સબસીડી પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હોવાનું ઉર્જાપ્રધાને જણાવ્યું હતું.
આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાએ સંબોધનમાં જણાવ્યું કે, આત્મનિર્ભર પેકેજ જાહેર થયુ તેની સકારાત્મક અસર જોવા મળી છે. ખાસ કરીને દેશમાં 8 કરોડ મહિલાઓને ગેસના સિલિન્ડર, જન ધન ખાતા માં રૂપિયા 500ના ત્રણ હપતા, કૃષિ સન્માન નિધિમાં 8.70 લાખ લાભાર્થીઓને સહાય જમા કરવામાં આવી છે. ગરીબ લોકોને વિનામૂલ્યે રાશન આપવામાં અત્યાર સુધીમાં રૂપિયા 90 હજાર કરોડનો ખર્ચ થયો છે. જ્યારે મનરેગામાં રૂપિયા 61 હજાર કરોડની વ્યવસ્થા હતી તેમાં બીજા વધારાના રૂપિયા 40 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે.
જાડેજાએ વિશેષમાં જણાવ્યું હતું કે, ખેડૂતો તેમની ખેતપેદાશ યોગ્ય જગ્યાએ વેચાણ કરી શકે તે માટે 'વન નેશન વન માર્કેટ' અમલમાં મૂકવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે 'વોકલ ફોર લોકલ' સૂત્ર અપનાવવા સ્થાનિક ઉદ્યોગકારોને આહવાન કર્યું છે. રાજ્યના સ્થાનિક ઉદ્યોગકારો આ ક્ષેત્રમાં રોજગારી આપવામાં અગ્રેસર છે, જે દેશની આર્થિક વ્યવસ્થામાં પણ સહાયરૂપ બનશે.