- આજે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા રોજગાર દિવસની ઉજવણી
- ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં 51 સ્થળોએ યોજાયા કાર્યક્રમો
- રાજકોટમાં બેરોજગાર યુવાઓને નિયુક્તિપત્રો આપવામાં આવ્યા
રાજકોટ: સહકારપ્રધાન ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં આત્મીય કોલેજ ખાતે રોજગાર દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં સહિતના જિલ્લાભરના કાર્યક્રમો અંતર્ગત રાજકોટના કુલ 6800થી વધુ યુવાઓને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગારી અંગેના નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. આ તકે પ્રધાન ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, સુશિક્ષિત અને તાલીમબદ્ધ યુવાધન રાજય અને રાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સહભાગી બને અને આ યુવાધનનો સુયોજિત અને કૌશલ્યને અનુરૂપ વિનિયોગ થાય તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અને કામગીરીને અમલી બનાવી છે.
ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં રોજગારી આપવામાં પહેલા નંબરે
ઈશ્વરસિંહ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં રોજગારી આપવામાં પહેલા નંબરે છે. એટલું જ નહીં પણ સ્ટાર્ટ અપ, મેઇક ઇન ઇન્ડીયા, મુદ્રા યોજના સહિત આજરોજ શરૂ કરાયેલ અનુબંધન પોર્ટલ અને એપ એ એક કદમ વિકાસની તરફ આગેકુચ સમાન બની રહેશે. રોજગારી ક્ષેત્રે કરેલી કામગીરીને વર્ણવતા ઇશ્વરસિંહે માહિતી આપતા જણાાવ્યું હતું કે, રાજ્યમાં યુવાનોને સ્થાનિક ક્ષેત્રે તેમની યોગ્યતા અને પસંદગી મુજબની રોજગારીની તકો માટે સતત લશ્કરી ભરતી મેળાઓ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજના, કારકિર્દીલક્ષી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત જેવા ઉદ્યોગકારોને મુડીરોકાણ અને નવા ઉદ્યોગો સ્થાપ્વા પ્રોત્સાહક કાર્યક્રમો અન્વયે અનેક રોજગારીની તકો ઉપલબ્ધ બની છે. રાજયની શાંતી અને સલામતીએ આ બાબત માટે મહત્વપૂર્ણ પરીબળ બની રહ્યું છે.
66 હજારથી વધુ યુવાઓને રોજગારી અપાઇ
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 66 હજારથી વધુ યુવાઓને રોજગારી અપાઇ ચૂકી છે. કોરોના કાળમાં પણ ઓનલાઇન ભરતી મેળા થકી યુવાઓને રોજગારીની તકો ઘરબેઠા ઉપલબ્ધ કરાવવાની ગુજરાતે કરેલી અભિનવ પહેલ અન્ય રાજયો માટે માર્ગદર્શક બન્યું છે. રાજયના તમામ તાલીમબદ્ધ યુવાઓને રોજગારી ઉપલબ્ધ બનાવીને તેમના કૌશલ્યનો સુયોજિત વિનિયોગ કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું ઇશ્વરસિંહે વિશેષમાં જણાવ્યું હતું.