રાજકોટઃ કોરોના વાઈરસના સંક્રમણમાં રોગ પ્રતિકાર શક્તિ મહત્વનું પાસું છે. ત્યારે જિલ્લામાં જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ગરમ ઉકાળાથી માંડીને સંક્રમિત દર્દીની સારવારમાં ઇમ્યુનિટી બુસ્ટર આપવા હેતુસર સતત કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો કે.જી.મોઢે જણાવ્યું હતું કે, જિલ્લામાં 18 આયુર્વેદ દવાખાના કાર્યરત છે, જેમાં ઉકાળા તથા સંશમનીવટીનું વિતરણ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ધનવંતરી રથમાં સ્થળ પર જ ગરમ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. હોમીયોપેથી ગોળી આર્સૈનિક આલ્બમ 30નું પણ વિતરણ કરવામાં આવે છે. સમરસ હોસ્ટેલ રાજકોટ ખાતે દર્દીની સંમતિથી એલોપથી સારવાર ઉપરાંત આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓ પણ આપવામાં આવે છે. સમરસ હોસ્ટેલ ખાતે બે આયુર્વેદ તબીબ અને એક હોમીયોપેથીક તબીબની સેવા પણ ઉપલબ્ધ છે.
સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં અંદાજે 2200 દર્દીઓના એલોપેથીની સાથે આયુર્વેદ અને હોમિયોપેથીક ઉપચાર પણ કરવામાં આવ્યા છે. જેનાથી આ બીમારીમાંથી ઝડપી રિકવરી આવવાનુ જણાય આવે છે. દર્દી વહેલા સ્વસ્થ પણ થયા છે.
જિલ્લામાં આયુર્વેદ ઉકાળાના લાભાર્થીઓ માટે 19 લાખ સંશમનીવટીના ડોઝ, 3.20 લાખ હોમિયોપેથી ડોઝ, ઉકાળો 21 લાખ ડોઝ, કવોરેન્ટાઈન સેન્ટરમાં 1125 અને કોવિડ કેર સેન્ટરમાં 1978 મળી વિવિધ તબક્કામાં અત્યાર સુધી જુદા જુદા રાઉન્ડમાં 43 લાખ ડોઝનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.