રાજકોટ: ઉપલેટાની મોજ ઈરીગેશન યોજના પૂર્ણ થતા 60 વર્ષ ઉપરાંત સમય વીતી ગયો છે. આ યોજનાની D - 2 કેનાલ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં પાણીનો નિકાલ પડતર જમીનને બદલે ખેતરમાં થાય છે. જેને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતા પાકને વ્યાપક નુકસાન થાય છે.

વારંવાર થતા પાણીના ભરાવાને કારણે 40 દિવસ સુધી ખેતરોમાં કપાસ, મગફળી, એરંડા, તલ જેવા ચોમાસુ પાકને ભયંકર નુકસાન થતા ખેડૂતો રોષે ભરાયા હતા અને મોજ ઈરીગેશન ઓફીસમાં સૂત્રોચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ ઉપરાંત ખેડૂતોએ જો આ અંગે આગળ કાર્યવાહી ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.