રાજકોટ: કોરોના મહામારીનો સમયગાળો એક એવો સમય છે જેમાં સતત પોતાના જીવનની અવગણના કરતો માણસ ધીમેધીમે તેનું મૂલ્ય સમજતો થયો છે.
કોરોના મહામારીમાં રાજકોટ કોવિડ હોસ્પિટલમાં ડૉકટર તેમજ નર્સિંગ સ્ટાફની કામગીરી અત્યંત સરાહનીય રહી છે જેને પગલે 80 થી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. આ દર્દીઓમાંના એક જૂનાગઢના વતની એવા 55 વર્ષની ઉંમરના દર્દી અરવિંદભાઇ સરવૈયાએ હોસ્પિટલના સ્ટાફની મહેનતને બિરદાવવા 100 PPE કિટનું દાન કર્યુ હતુ.
અરવિંદભાઇને જ્યારે રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી.
હોસ્પિટલના ડૉકટરની ટીમ દ્વારા સતત તેમની સારવાર કરવામાં આવતી હતી. ક્રિટિકલ કેર નિષ્ણાતની ટીમ દ્વારા તેમની સઘન સારસંભાળ લેવામાં આવી. તેમના સ્વાસ્થ્યને ધ્યાને રાખી જરૂરી જણાતા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેઓને વેન્ટિલેટર (બાયપેપ મોડ) પર 4 દિવસ તેમજ ઑક્સીજન પર 3 દિવસ સારવાર આપવામાં આવી હતી.ડૉકટર તેમજ સ્ટાફની સખત જહેમત કામ લાગી અને તેઓ જલ્દીથી કોરોના બિમારીને પરાજય આપી સંપૂર્ણ સ્વસ્થ બન્યા. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
કોરોના સામે જંગમાં વિજેતા બન્યા બાદ અરવિંદભાઇ સરવૈયાએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જયારે હું દાખલ થયો ત્યારે ખુબ જ ભયભીત હતો અને મોત સામે દેખાતું હતું. હું પાછો ઘરે જઈશ કે નહીં તે સમજાતું નહોતું, પરંતુ અહીંની મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા દિવસમાં 20 થી વધુ વાર આવી ખબર અંતર પૂછતા હતા અને મારો ઉત્સાહ વધાર્યો હતો. આ લોકોએ પરિવારના સભ્યની જેમ મારી સેવા કરી. અરવિંદભાઇએ ગંભીર પરિસ્થિતીમાં સઘન સારવાર આપવા બદલ એનેસ્થેશિયા વિભાગ અને મેડિસિન વિભાગના ડોકટરો, નર્સિંગ સ્ટાફ તથા સર્વન્ટ એમ તમામ કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો.