રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા GMSCL (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ) મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે મશીન મોકલવામાં આવ્યા છે. જે મશીન ચાઇનાના હોવાનું હાલ સામે આવ્યું છે. આ મશીનમાં દર્દીઓના લોહીનું પરીક્ષણ થાય છે અને હાલ તે સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. મશીનની કિંમત અંદાજીત રૂપિયા 20 લાખ છે પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાઇનાની બનાવટના મશીન રાખવામાં આવતા શહેર કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મશીન મામલે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં મહામંત્રી ડો. હેમાંગ વસાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આગામી 5 વર્ષ માટે આ મશીમાં વાપરવામાં આવતા લોહીના પરીક્ષણની કીટ માટેનું કેમિકલ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક કિટની કિંમત હાલ રૂપિયા 30થી 60 સુધીની છે જે એક જ વખત લોહીના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ મશીનમાં દરરોજના 500 પરીક્ષણ થાય તો 500કીટની જરૂર પડે, જેનો ચાઈનાના મશીનનો સીધો આર્થિક ફાયદો ચાઇનાને થશે. ભાજપ સરકાર બે મોઢાંની વાતો કરે છે એકતરફ ચીન સરહદે તણાવ ભરી પરિસ્થિતિ છે એટલે તેની એપ અને તેની પ્રોડક્ટ ખરીદવાનું બંધ કર્યાની જાહેરાત કરે છે જ્યારે બીજી તરફ સરકાર જ ચાઈનાના મશીનની ખરીદી કરે છે.