રાજકોટ: જેતપુરના વીરપુરમાં નબીરાઓના શોખ પુરા કરવા માટે સાગર ગેસ્ટહાઉસમાં બહારથી યુવતીઓ મંગાવી આપવામાં આવતી હતી. છેલ્લાં કેટલાંક સમયથી હોટલની આડમાં કુટણખાનું ચાલતું હતું, પરંતુ સ્થાનિક પોલીસના ખિસ્સા ભરાઈ જતા હોવાના કારણે આંખ આડા કાન કરતી વીરપુર પોલીસ રાત્રીના નિંદ્રામાં હતી. તે સમય દરમ્યાન ASP સાગર બાગમારે ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી અને કુટણખાનું ખુલ્લું પાડ્યું હતું.
રાજકોટ, ગોંડલ, જેતપુર સહિતના ઉધોગકારો અને રાજકારણીઓના નબીરાઓ માટે આ કુટણખાનું હોટલની આડમાં ચાલતું હતું અને નબીરાઓને તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવતી હતી. સાગર હોટલમાંથી વિદેશી બ્રાન્ડના દારૂ અને બિયર પણ પોલીસના હાથે લાગ્યા હતા, ત્યારે કહી શકાય કે, અહીં આવતા કસ્ટમરને તમામ પ્રકારની સુવિધા પુરી પાડવામાં આવતી હતી. મહત્વની વાત એ છે કે, જ્યાં રેડ કરવામાં આવી તે સાગર હોટલની બાજુમાં જ વીરપુર PSI ભોજાણી રહે છે, પરંતુ આટલા દિવસોથી ચાલતા આ કુટણખાનું પર તેમની નજર કેમ ન પડી અને ઉચ્ચ અધિકારીઓને ડમી ગ્રાહકોને મોકલી રેડ કરવાની ફરજ પડી.
સૂત્રોનું માનીએ તો સાગર હોટલના માલિક SP તેમજ રેન્જ. આઈજી સુધીના કોન્ટેકટ ધરાવે છે. જેના કારણે હોટલમાં જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ગ્રાહકોને છોડી દેવામાં આવ્યાં છે. જ્યારે માત્ર એજન્ટ અને હોટલ મેનેજર સામે જ ગુન્હો નોંધી સંતોષ માની લેવાયો છે, પરંતુ જો હોટલના CCTV ફૂટેજ ચેક કરવામાં આવે તો ઘણાં રાજ ખુલી શકે તેવી પણ શક્યતા છે.