રાજકોટઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરવર્ષે કેસર કરીના અગાઉ હાફુસ કેરીનું આગમન થતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે હાફુસ કેરી માટે હવામાન અનુકુળ ન હોવાથી 25થી 30 દિવસ મોડી માર્કેટમાં આવી છે. જેના કારણે ચાલુ વર્ષે હાફુસ કેરીની સાથે જ કેસર કેરીનું પણ આગમન જોવા મળ્યું છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાફુસ કેરીની આવક 2000 કેરેટ અને રત્નાગીરી હાફુસની આવક 300 પેટીની જોવા મળી છે. જેમાં હાફુસ કેરીની હરાજીમાં પ્રતિ 20 કિલોની કિંમત રૂપિયા 1400થી લઈને રૂપિયા 1500 જેટલી આંકવામાં આવી હતી.
ચાલુ વર્ષે કેરીના પાકને અનુકુળ હવામાન ન હોવાથી હાફુસ અને કેસર કેરીનું આગમન મોડું થવાની સંભાવના સેવવામાં આવતી હતી, પરંતુ બન્ને કેરીનું આગમન એકી સાથે જોવા મળ્યું છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની રોજીંદા 14થી15 હજાર કેરીના બોક્સની આવક થઇ રહી છે. જેની પ્રતિ 10 કિલોની કિંમત રૂપિયા 400થી લઈને રૂપિયા 800 સુધી આંકવામાં આવી રહી છે. સાસણગીરમાં આ વર્ષે માવઠાનો માર, લોકડાઉનની અસર અને મજૂરોની અછત વચ્ચે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેથી યોગ્ય કિંમત ન મળતાં ખેડૂતો દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે.