- વેણુ નદી કાંઠાના ગામના આગેવાનો, સરપંચો અને યુવાનો દ્વારા રેતી ચોરીનો વિરોધ
- ધારાસભ્ય લલિત વસોયાએ પણ વિધાનસભામાં આ બાબતે રજૂઆત કરેલી છે
- તંત્ર રજૂઆત અને ફરિયાદ બાદ પણ કંઈ જ એક્શન નથી લેતું: સ્થાનિક લોકો
રાજકોટ: ઉપલેટામાં આવેલી વેણુ નદીમાં અંદાજિત છેલ્લા 10 વર્ષથી રેતી ચોરી થતી હોવાની વાત સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે. આ રીતે ચોરી ઘણા સમયથી બેફામ ચાલે છે. તેમાં તંત્ર પણ શામેલ હોઈ તેવા આક્ષેપો આગેવાનો કરી રહ્યા છે.
વેણુ નદીમાં ચાલતી ગેરકાયદેસર રીતે રેતી ચોરી
વેણુ નદીમાં ચાલતી ગેરકાયદેસર રીતે રેતી ચોરી થઈ રહી છે. તે અંગે અગાઉ પણ અનેક રજૂઆતો અને ફરિયાદો કરી છે તેવું આગેવાનો જણાવી રહ્યા છે. છતાં ફરિયાદનો કોઈ પણ નિવેડો નથી આવતો. ત્યારે વેણુ નદી કાંઠાના ગામના આગેવાનો, સરપંચો અને યુવાનોએ ઉપલેટા મામલતદાર અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપીને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે.
આ પણ વાંચો: મોરબી: હળવદના કડીયાણા ગામ નજીક રેતીની ચોરી કરતા ત્રણ ડમ્પર ઝડપાયા
અંદાજિત 100થી 150 જેટલા ડમ્પરોમાં રેતી ભરાઈ છે
સ્થાનિક લોકોનું અને આગેવાનોનું કહેવું છે કે, અહીંયા રોજના અંદાજિત 100થી 150 જેટલા ડમ્પરોમાં રેતી ભરાઈ છે અને આ ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોને કારણે વિસ્તારના રસ્તાઓમાં 1થી 2 ફૂટના ખાડાઓ પણ પડે છે. પરિણામે જ્યારે આ રસ્તા પરથી કોઈ મેડિકલ ઇમરજન્સી હોઈ ત્યારે સમયસર દવાખાને પહોંચવું પણ શક્ય નથી. કોઈને સમયસર દવાખાને સારવાર લેવા ન પહોંચી શકે તો મોત પણ નિપજે છે.
આ પણ વાંચો: સાબરમતી નદીમાં રેતી ચોરી કરતા માફિયાઓને ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાથી ઝડપ્યા, 60 લાખનો મુદ્દામાલ જપ્ત
જવાબદાર તંત્રની મીઠી નજરથી આ સમગ્ર વ્યવસાય ચાલે છે
આગેવાનોનું કહેવું છે કે, સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયાએ પણ વિધાનસભામાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ પગલાં લેવાતા નથી. સ્થાનિક આગેવાનોએ પોલીસ અને અન્ય જવાબદાર તંત્રની મીઠી નજરથી આ સમગ્ર વ્યવસાય ચાલે છે તેવા પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ત્યારે ખરેખર આ આક્ષેપો અને કરેલી ફરિયાદો કેટલી સાચી અને કેટલી યોગ્ય છે તે તપાસ કરવામાં આવશે તો જ ખ્યાલ આવશે.