- રાજકોટ કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
- કિસાન સંઘે આવેદનપત્ર પાઠવીને દસ જેટલી માંગ કરી
- જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની આપી ચિમકી
રાજકોટઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બુધવારે કિસાન સંઘના આગેવાનો દ્વારા પોતાની માંગને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કિસાન સંઘે આવેદનપત્ર પાઠવીને મુખ્ય 10 માંગ કરી છે.
કિસાન સંધની મુખ્ય માંગ
કિસાન સંઘ દ્વારા આવેદન પત્રમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષે જે જિલ્લામાં બે ઇંચથી વધું વરસાદ પડ્યો છે. ત્યાંરે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનમાંથી તાત્કાલિક વળતર ચૂકવવું, સી.સી.આઈમાં કપાસની ખરીદી શરૂ કરાવવી, મગફળીની ખરીદીમાં ભેજમાં 2 ટકાનો વધારો અને ઉતારામાં 10 ટકાનો ઘટાડો કરવો, રાજ્યના દરેક ગામમાં રખડતા પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવી, ખેતર માટે અને ગામડે મકાન બનાવવા માટે ખેડૂતને ગમે ત્યાંથી માટી અને રેતી લેવાની મંજૂરી, દર વખતે ખેડૂતોને 7/12ના દાખલ કઢાવવામાંથી મુક્તિ, ગૌશાળાના ડીમોલેનની જગ્યાએ કાયમી ભાડા કરાર કરવા, ગૌશાળાની ગાયો અને ખેતી કરતા બળદોને કાયમી રૂપિયા 50 સહાય આપવી, પાંજરાપોળની સહાય યોજનાની જમીન મર્યાદા હટાવવી, GEBનું ખાનગી કરણ અટકાવવું સહિતની માંગ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરેક જિલ્લા-તાલુકામાં અપાયું આવેદનપત્ર
કિસાન સંઘ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં અને તાલુકામાં આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈને તાલુકામાં મામલતદાર, તેમજ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને પણ આ 10 માંગણીઓ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ કિસાન સંઘ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, જો ટૂંક સમયમાં સરકાર દ્વારા ખેડૂતોના મુદ્દાઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં કિસાન સંઘ દ્વારા આ મુદ્દે આંદોલન પણ કરવામાં આવશે. તેમજ આ આંદોલન માટે જવાબદાર સરકાર રહશે.