- લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ
- ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીન વેંચી કરી છેતરપીંડી
- પોલીસે બે શખ્સોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાજકોટઃ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીન વેંચી નાખી રૂપિયા 73 લાખની છેતરપીંડી આચરનારા બે શખ્સો સામે કલેક્ટરના આદેશથી મામલતદારે ફરિયાદ નોંધાવી છે.
સરકારી જમીન ખેતીના હેતુ માટે અપાવી દેવાની લાલચ આપી
સમગ્ર મામલે કેતન અને બહાદૂરસિંહે અશ્વિનભાઈને છેતરવાનો પ્લાન બનાવ્યો અને આ સરકારી જમીન ખેતીના હેતુ માટે અપાવી દેવાની લાલચ આપી હતી. અશ્વિન પરસાણા નામના ખેડૂત 12 જાન્યુઆરીએ કલેક્ટર કચેરીમાં ઉપરોક્ત બન્ને આરોપી વિરૂધ્ધ લેખિત અરજી આપી હતી અને આરોપ મૂક્યો હતો કે, પોતે મોટામૌવા સર્વે નંબર 135 /1ની 05-09 ગુઠા જમીનની માલિકી ધરાવે છે. આ જમીનને લાગુ સરકારી ખરાબાની સર્વે નંબર 180 પૈકીની જમીન કાયદા મુજબ નામે ચડાવી દેવા માટે 1 વર્ષ પહેલાં આરોપી કેતન વોરાનો સંપર્ક થયો હતો. જમીન કૌભાંડ અંગે રાજકોટ તાલુકા મામલતદારે ફરિયાદ નોંધાવી છે.
બોગસ દસ્તાવેજો કર્યા ઉભા
મહેસુલ વિભાગ સચિવાલય ગાંધીનગરના નોંધણી નંબર, તારીખ વગરના લેન્ડ રેવન્યુ કોર્ડ કલમ -61 હેઠળ પગલાં લેવા બાબતનો હુકમ, મહેસુલ વિભાગ ઓફિસ નંબર-3 સચિવાલય ગાંધીનગરનો જમીન ફાળવવા અંગેનો હુકમ, સરકારી ખરાબાની જમીન બાબતે ગેઝેટ પત્ર, ખેડૂતની જમીન અને તેને ફાળવાયેલી (ખોટી રીતે) જમીનના બોગસ દસ્તાવેજો, અરજદારને ખેતીના હેતુ માટે સરકારી ખરાબાની જમીન લાગુ તરીકે આપી દેવાના હુકમ આ બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હતા.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પોલીસે બહાદુરસિંહ માનસિંહ ચૌહાણ તેમજ કેતન વોરાને ઝડપી પાડયા
સમગ્ર મામલે મામલતદાર કે.એમ.કથિયારીયાએ જાતે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો હતો. જેને પગલે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાએ તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં ગણતરીની કલાકોમાં બંને આરોપી બહાદુરસિંહ માનસિંહ ચૌહાણ તેમજ કેતન વોરાને ઝડપી પાડી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.