- રાજકોટમાં ધો-11માં પ્રવેશનો મામલો
- DEO દ્વારા ચેકીંગ ટીમ બનાવાઈ
- આગામી દિવસોમાં નવું સત્ર શરુ થવાની તૈયારીઓ
રાજકોટઃ કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10માં બોર્ડમાં રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. જ્યારે આગામી દિવસોમાં નવા સત્રની શરૂઆત થવાની છે. જ્યારે ધોરણ 10 પછી હવે ધોરણ 11માં એડમિશન લેવા માટે કેટલીક ખાનગી શાળાઓ અગાઉ બમણી ફી લઈને એડમિશન આપવામાં આવી રહ્યાની ફરિયાદો મોટા પ્રમાણમાં આવી રહી છે. જેને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવી રીતે ધોરણ 11માં પ્રવેશ માટે વધુ નાણાં ઉઘરાવીને એડમિશન આપતી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધો-11માં પ્રવેશ આપતી શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10માં બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે પરંતુ હજુ સુધી આ વિદ્યાર્થીઓની માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. જ્યારે હજુ ધોરણ 10ની માર્કશીટ આવી ન હોવા છતાં રાજકોટમાં કેટલીક નામાંકિત શાળાઓ દ્વારા ટોકનરૂપે વાલીઓ પાસેથી વધુ નાણાં ઉઘરાવીને તેમના બાળકોને ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટ સ્કૂલે વાલીને 20 પેઇજની શો કોઝ નોટિસ ફટકારી હોવાનું આવ્યું સામે
20 જેટલી ખાનગી શાળાઓમાં કરાઈ તપાસ
આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી. એસ. કૈલાએ જણાવ્યું હતું કે કેટલીક ખાનગી શાખાઓ ધોરણ 11માં પ્રવેશ આપી રહી છે. જેને લઈને છેલ્લા બે દિવસથી અમારી ટીમ તપાસ માટે અલગ અલગ ખાનગી શાળાઓમાં જઇ રહી છે. જેમાં મોદી સ્કૂલ, ધોળકિયા સ્કૂલની પંચાયત ચોક સ્થિત બાન્ચ, રાજકોટ પબ્લિક સ્કૂલ, ઉડાન અને ઉત્કર્ષ સ્કૂલ, પ્રીમિયર, રોઝરી અને માસૂમ સ્કૂલમાં ટીમે તપાસ કરી હતી. ટીમની તપાસ બાદ સમગ્ર મામલે રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજકોટમાં શાળાઓએ 10માં ધોરણની માર્કશીટ વગર જ 11માં ધોરણમાં આપ્યા એડમિશન